જ્યેષ્ઠાભિષેક - સ્નાનયાત્રા
જે દિવસે જ્યેષ્ઠા નક્ષત્ર હોય તે દિવસે સ્નાનયાત્રાનો ઉત્સવ કરવો.આ વેદોક્ત્ ઉત્સવ છે.અને શંખથી કરાવાય છે.સ્નાનયાત્રાના આગલા દિવસને જળયાત્રા કહેવાય છે.કારણકે જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર હોય ત્યારે પ્રભુને જ્યેષ્ઠાભિષેક[સ્નાન] કરાવાય.તે માટે તીર્થસ્થળે પવિત્ર નદીના જળ ભરવા જાય તેને ‘જળજાત્રા’ કહેવાય છે.સ્નાનયાત્રાના આગલા દિવસે શયનભોગ ધરીને જળ ભરી લાવી તેનું અધિવાસન કરાય છે.જે ઠેકાણેથી જળ હંમેશા આવતું હોય તે સ્થળેથી ભરવું.જેઠ સુદ પૂનમને સ્નાનયાત્રા કહેવાય છે.કારણકે જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર હોય ત્યારે વહેલી સવારમાં શીતળ જળથી વેદીયા બ્રાહ્મણો વેદોચ્ચાર કરે અધિવાસન કરેલા સુવાસિત શીતળ જળથી પ્રભુને સ્નાન કરાવાય છે.
વૃધ્ધ નંદબાવાએ વિચાર કર્યો કે,‘ મારા પુત્ર કૃષ્ણને મારી જગ્યાએ વ્રજના રાજા તરીકે રાજ્યાભિષેક કરી દઉં.’ કુળગુરૂ ગર્ગાચાર્યજીએ રાજ્યાભિષેક માટે જેઠ સુદ પૂનમનું મુહુર્ત કાઢ્યું.રાજ્યાભિષેક માટે બધી જ પવિત્ર નદીઓના જળ મંગાવાયા.જેઠ સુદ પૂનમે સૂર્યોદય પહેલા પ્રભુ શ્રીકૃષ્ણને સફેદ ધોતી ઉપરણાં પહેરાવી સિંહાસન પર પધરાવી શ્રી ગર્ગાચાર્યજીએ પવિત્ર નદીઓના જળથી અભિષેક કરાવ્યો. ૠષિમુનિઓએ પુરૂષસુક્તનો મંત્રોચ્ચાર કર્યા.શ્રી નંદરાયજીએ પોતાના પુત્ર શ્રીકૃષ્ણનો રાજ્યાભિષેક કર્યો.આ અભિષેક જ્યેષ્ઠા નક્ષત્રમાં થવાથી ‘ જ્યેષ્ઠાભિષેક ’ કહેવાયો.વ્રજરાજકુંવર હવે ‘ વ્રજરાજ ’ બન્યા.વ્રજવાસીઓએ વ્રજરાજને નજરાણામાં ઉત્તમોત્તમ કેરીઓ અંગિકાર કરાવી.પ્રભુએ વ્રજભક્તે સાથે જલક્રિડા અને નાવખેલન લીલા કરી છે.આજથી શ્રી યમુનાજીના પદ બોલાય અને જળના મનોરથો સ્નેહપૂર્વક અંગિકાર કરાવાય.જલવિહારની નાવમાં પ્રભુ બિરાજે છે.નાવમાં બિરાજતા પ્રભુની ઝાંખી કરાય છે.શ્રી ગુસાંઈજી રાજભોગ સમયે પ્રભુની અનુપમ ઝાંખી કરતાં જ આર્યા બોલ્યા હતા કે, ‘ વ્રજરાજ વિરાજીત ઘોષ વરે વરીણય મનોહર રૂપ ધરે.’ એ આર્યાની ભાવનાથી અલૌકિક ઝાંખી થાય છે.આ દિવસે શ્રી નાથદ્વારામાં આજેપણ જ્યારે વેદોચ્ચાર થાય છે ત્યારે નિજમંદિરની ભીંતોમાંથી શ્રી યમુનાજીની ધારાઓ નીકળે છે અને મંત્રો બોલાતા બંધ થાય એટલે ધારાઓ પણ નીકળતી બંધ થઈ જાય છે.
ટૂંકમાં તે દિવસે અને જન્માષ્ટમીએ પણ શ્રી યમુનાજી જળધારા રૂપે સાક્ષાત પધારે છે અનુભવીઓએ આ પ્રસંગોનો લાભ પણ લીધો છે.