પુષ્ટિમાર્ગનું પરમ સાધન સેવા
પુષ્ટિમાર્ગનું પરમ સાધન છે સેવા.જે સંપૂર્ણપણે ભગવાનમાં પરોવાઈને કરાય.ભાવપૂર્વક કરાય.પુષ્ટિમાર્ગમાં ઠાકોરજી પ્રેમનું પ્રતીક ગણાય છે.ઠાકોરજીની પ્રસન્નતા માટે જરૂરી છે ભાવ.ભાવ વગર કરેલી સેવા એ સેવા ના ગણાય.પ્રેમથી અને ભાવથી કરવામાં આવતી સેવા એ ભક્તિ છે જે પ્રભુના સુખ માટે કરવાની હોય છે.
ઠાકોરજીની સેવા
પુષ્ટિમાર્ગમાં આમ તો ‘ યથા દેહે તથા દેવે ’ આ રીતે સેવાનો પ્રકાર છે.પણ સમય, સંજોગ અને સગવડ ન હોય એને કારણે ભગવંતવિમુખ ના થઈ જવાય એ માટે સંપ્રદાયના મહાનુભાવોએ આ પ્રમાણે સેવાનો પ્રકાર બનાવ્યો.
પ્રથમ શ્રી ઠાકોરજીને જગાવી સિંહાસન પર પધરાવી યથાશક્તિ શૃંગાર કરવા. ત્યાર પછી મીસરીભોગ ધરી, ઝારીજી ભરી ટેરો લેવો [ ટેરો લેવો એટલે એક રીતે પ્રભુને આપણી મીઠી નજર ના લાગે એમ નજર ઉતારવી.]ત્યાર બાદ નિત્ય નિયમનો પાઠ કરવો અને દસ મિનિટ પછી ભોગ સરાવી લેવો.પછી શ્રીઠાકોરજીના ચરણસ્પર્શ કરી શૃંગાર ઉતારી પ્રાર્થના કરવી કે હે ઠાકોરજી આપની આપની સેવા કરવામાં અમારો ભાવ દિવસે ને દિવસે વધતો જાય એવી કૃપા કરો. ત્યાર બાદ શય્યાજીમાં શ્રી ઠાકોરજીને પોઢાડી દેવા.
આ પ્રકારની સેવાને મીસરીભોગના ઠાકોરજીની સેવા કહી શકાય.જેમાં આપણાથી દૂધ અને દૂધમાંથી ઘરે બનાવેલી સામગ્રી, લીલો મેવો, સૂકો મેવો, પાનબીડાં આરોગાવી શકાય.