દર્શ અમાવસ્યા/દિવાળી/દીપાવલી/કાનજગાઈ/હાટડી/
શારદા - લક્ષ્મીપૂજન/ચોપાટખેલ
આસોના ત્રણ અને કારતકના બે દિવસ મળીને જે પાંચ દિવસો થાય તેને એક શબ્દમાં દિવાળી/દિપાવલી કહેવાય છે. આ દીપોનો તહેવાર હોવાથી દીપોત્સવ કહેવાય છે.આસો વદ એકાદશીથી કારતક સુદ બીજ સુધી મંદિરમાં શ્રી પ્રભુના સાનિધ્યમાં અને મંદિરના ચોકમાં કલાત્મક રીતે મનોહર દીવા પ્રગટાવાય છે.વર્ષનો છેલ્લો દિવસ હોવાથી માતા જશોદા પ્રભુને વહેલા જગાડી સુગંધી અત્તર, ફુલેલથી અભ્યંગ સ્નાન કરાવી શ્રુંગાર ધરાવે છે અને સામગ્રી અંગિકાર કરાવે છે. પ્રભુ ખિરકમાં પધારી ગાયોને શણગારે છે અને ખેલાવે છે.સાંજે નંદનંદનને શ્રી યશોદાજી હાટડીમાં બેસાડે છે.હટડી એટલે બજાર માંડીને બેસવું તે.વ્રજમાં તેને ‘હાટુ’ કહે છે.શ્રી નંદરાયજી વૈશ્ય હોવાને કારણે પ્રભુ આજે હાટ માંડીને બિરાજે છે.હાટમાં જાતજાતની સામગ્રી, મિષ્ટાન, બધા પ્રકારના પકવાન, સૂકામેવા, તેજાના, અત્તર, વગેરેની સુંદર સજાવટ સાથે પોતે બિરાજે છે અને વ્રજભક્તો ખરીદી કરવા આવે છે.દરેક વ્રજભક્તેના ભાવ પ્રમાણે વસ્તુ આપી દરેક વ્રજભક્તે નો ભાવ અંગિકાર કર્યો છે.આજ ભાવથી નંદાલયમાં ‘હટડી’ એટલે કાચના - સોનાના બંગલામાં બિરાજતા પ્રભુની ઝાંખી દિપકોની રોશનીમાં અતિ અલૌકિક થાય છે.તેના અનુસંધાનમાં ઈન્દ્રયાગ ભંગનો પ્રસંગ પ્રસિદ્ધ છે.એટલે નંદાલયમાં હટડી/હાટ એટલે બજારની સુંદર ભાવનાત્મક સજાવટથી કરી તેમાં સોનાના ત્રાજવા અને ચાંદીના કાટલા મૂકાય છે.આ બધી જ વસ્તુઓનો અન્નકૂટ ઉત્સવમાં ઉપયોગ કરવા માટે લેવાય છે એ ભાવ છે. ગોવર્ધનોત્સવ અને અન્નકૂટોત્સવમાં ભાગ લેવાના આમંત્રણ પર શણગારેલી ગાયોના જૂથોને લઈ ગોવાળિયાઓ મંદિરના ચોકમાં આવે છે.તેને ‘કાનજગાઈ’ કહે છે.શ્રી ઠાકોરજી ગોપબાળકોને લઈ ખિરકમાં પધારે છે અને ગાયોને કાનમાં કહે છે, કાલ્હિ ગોવર્ધનપૂજા કે સમે વેગિ વેગિ આઈઓ... કાલે ગોવર્ધનપૂજાને સમયે જલ્દી જલ્દી આવજો. મંદિરમા સાંજે શયનઆરતી સુધીની સેવા નિત્યની જેમ પહોંચી પછી શ્રી ઠાકોરજી સન્મુખ ગાયને બાંધવામાં આવે છે. ગાયને થાપા દઈ શ્રુંગાર કરાય છે.પછી હાંડીભોગ આવે છે.ત્યાર બાદ શ્રી ઠાકોરજી સન્મુખ આતશબાજી ફૂટે પછી શ્રી ઠાકોરજીને દંડવત્ કરી ગાયનું કર્ણજાગરણ થાય, થોડો સમય ગાયોને ખેલાવાય.આને ‘કર્ણજાગરણ - કાનજગાઈ’ કહેવાય છે.વૈષ્ણવોને ત્યાં કાનજગાઈની આવશ્યકતા જણાતી નથી.ભાવના કરી લેવી.વ્રજમાં રાત્રે ગોવર્ધનની પરિક્રમા થાય છે.અમાસની રાત્રે વ્રજમાં અને મેવાડમાં ‘જુવા’ એટલે ચોપાટ ખેલવાની અતિ આકર્ષક, સુંદર અને ભાવાત્મક સજાવટ થાય છે.ત્યાં રાત્રે શ્રી સ્વામિનીજી સખીજનો સહિત પ્રભુ અને ગોપસખા સાથે જુવા ખેલે છે.રાત્રે હટડીની સજાવટ મંદિરમાં આખી રાત રહે છે.અને વહેલી સવારે મંગળાના દર્શન પહેલાં તે સજાવટના દર્શન કરી શકાય છે. દિવાળીનો તહેવાર વૈશ્યનો તહેવાર મનાય છે.આ દિવસોમાં ઘરમાં સાફસૂફ અને પવિત્રતાનું વાતાવરણ કરાય છે.નવા હિસાબ માટેના ચોપડાનું પૂજન થાય છે જેને શારદાપૂજન - ચોપડાપૂજન કહેવાય છે.