ગૃહ સેવા

શ્રી મહાપ્રભુજીએ અષ્ટપ્રહરની સેવાનો પ્રકાર કર્યો છે.તેમાં સવારે મંગળાથી રાજભોગ સુધી અને સાંજે ઉત્થાપનથી શયન સુધીની સેવાનો સમાવેશ થાય છે.શ્રીઠાકોરજી શ્રીનંદરાયજીને ત્યાં નંદભવનમાં જે રીતે બિરાજતા હતા અને તેમની સેવા જે પ્રકારે થતી હતી તેજ પ્રકારે આ સેવાપ્રકાર શ્રીમહાપ્રભુજીએ અને ત્યાર પછી શ્રીગુંસાઈજીએ બતાવ્યો છે.આ સેવાપ્રકારમાં પ્રત્યેક સમયની સેવા પાછળ રહેલી પ્રભુની લીલાભાવના અને સેવામાં વપરાતા પ્રત્યેક પદાર્થ પાછળની ભાવભાવનાનો પણ સમાવેશ થાય છે. આ ભાવભાવનાથી સેવા કરવામાં પ્રીત અનુભવી શકાય છે.

જે વૈષ્ણવને શ્રીઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા હોય તેમણે શ્રીનાથજીબાવાના ચિત્રજી અગર શ્રીલાલન [ શ્રી બાલકૃષ્ણજી શ્રીનવનીતલાલજી ] અગર શ્રી ઠાડુ સ્વરૂપ[ શ્રી ગોવર્ધનનાથજી શ્રી મદનમોહનજી શ્રી નટવરપ્રભુજી ] ઈચ્છા મુજબ સ્વરૂપ પધરાવવા હોય તો તેમણે શ્રી ગુરૂદેવ પાસે પોતાના શ્રીને પધરાવી પુષ્ટ [સેવ્ય] કરાવી આપશ્રીની આજ્ઞા પ્રમાણે શ્રીની સેવા કરવી.

પ્રથમ દરેક વૈષ્ણવે પ્રાતઃકાળે ઉઠતાની સાથે જ પોતાના કંઠમાંની તુલસીની કંઠીના શ્રધ્ધાપૂર્વક દર્શન કરવા જે ઠાકોરજીના ચરણારવિંદનું સ્વરૂપ છે.ત્યાર પછી શ્રીમહાપ્રભુજી, શ્રીગુંસાઈજી, શ્રીનાથજી, શ્રીયમુનાજી તથા પોતાના શ્રીગુરૂદેવનું સ્મરણ કરી ઘરમાં સૌ કુટુંબીજનોને ભગવદ્ સ્મરણ[જયશ્રી કૃષ્ણ] કરવા જોઈએ.

શ્રીહરિ - ગુરૂ - વૈષ્ણવનું સ્મરણ કરીને પોતાનું દેહકૃત્ય કરવું.પછી સ્નાન કરી સેવામાં વપરાતા રેશમી અથવા દરરોજ ધોયેલાં વસ્ત્ર [પુરૂષે ધોતીઉપરણોં બંડી અને સ્ત્રીએ સાડી] પહેરી ચરણામૃત લેવું.ચરણામૃત પહેલા મુખમાં પછી બન્ને આંખો ઉપર ગળા અને હૃદય પર લગાડવું.[વ્રજરજ શ્રીયમુનાજીની રજ અને શ્રીજીના સ્નાનનું જળ મળી ચરણામૃતના પેંડા તૈયાર થાય છે.] ત્યાર પછી પ્રસાદી કુમકુમથી કપાળમાં તિલકમુદ્રા કરવી અને સેવા માટે તત્પર થવું.આપણાં ઘરમાં પ્રભુ જ્યાં બિરાજતા હોય તે મંદિર ગોખલો અગર ઝાંપીજી હોય ત્યાં દંડવત્ કરી સેવા કરવાના સ્થાનને તથા નિજ મંદિરમાં સોહની[બુહારી] મંદિરવસ્ત્ર કરવું. સિંહાસન ખંડપાટ ચોકી સાફ કર્યા પછી શ્રીઠાકોરજી જ્યાં પોઢ્યા હોય ત્યાં શૈયાજીની બાજુમાં બિરાજતા સાજ માળા બીડાની થાળી બંટા ઝારીજી વગેરે સરાવી ઝારીજી બંટાજી પ્રસાદી રાખવાના સ્થાનમાં પધરાવી શુદ્ધ જળથી ખાસા કરવા. ગાદી અને તકીયા સ્વચ્છ કરી સિંહાસન ચોકી પર રાખવા.
  • મંગળભોગની તૈયારી  :  
    મીસરી ભોગ ધરવાવાળા વૈષ્ણવે મીસરી અવશ્ય ધરવી. સાથે યથાશકિ્ત સૂકા મેવા [બદામ કિસમિસ કાજુ વગેરે] દૂધઘર [પેંડા વગેરે] ધરવા.વૈષ્ણવે મંગળભોગમાં ઓટ્યો દૂધ-દંહી માખણ મીસરી મલાઈ દૂધઘરની મીઠાઈ(પેંડા) નાગરી સંધાના ઠોર સૌભાગ્યસૂંઠ (શીતકાળમાં) અને સતવો (ઉષ્ણકાળમાં) આમ (કેરી) અનસખડી અલગથી થાળમાં સજાવી શ્રીજી માટે ઝારીજી ભરવા.ઝારીજી શુદ્ધજલથી શ્રી યમુનાષ્ટકના પાઠ કરતા અથવા શ્રી યમુનાજીનું સ્મરણ કરતા ભરવા. ત્યાર બાદ લાલ વસ્ત્ર (નેવરા) ધરાવી સિંહાસન પર શ્રીની ડાબી બાજુએ ત્રષ્ટી પર પધરાવવા.વૈષ્ણવે શુદ્ધ જળ પોતાના ઘરમાં સ્નાન કરીને અલગથી પહેલું ભરી એક બાજુ રાખી મૂકવું તેનો દરેક સેવામાં ઉપયોગ કરી શકાય છે. જો કૂવાના જળની સગવડ ન હોય તો શ્રી ગુરૂદેવ પાાસે આજ્ઞા લઈ તે મુજબ ઝારીજી ભરવા.

    મંગલા (જગાવવાની રીત)  :  
    પ્રથમ પ્રભુના શૈયાજી પાસે ઘંટાનાદના ભાવથી ત્રણ વાર (સાત્વિક, રાજસ, તામસ) નંદાલયના ગાયનીઘંટડી, ગોપીજનોના સ્વર ગાનની ભાવનાથી હાથથી તાળી પાડી શ્રીમહાપ્રભુજીનું સ્મરણ કરતાં વિનંતીપૂર્વક જય જય મહારાજાધિરાજ, હે પ્રભો, શરણાગત વત્સલ, શ્રી યશોદાત્સંગલાલિત, રાજીવલોચન, વ્રજ્જન સર્વસ્વ, નંદનંદન, શ્રીમહાપ્રભુજી, શ્રીગુંસાઈજી ના લાડિલા પ્રભુ જાગીયે .જગાવવાનું પદ ગાવું. આ રીતે જગાવી ક્ષણેક વાર શૈયાજીમાં બિરાજમાન કરી જગાવીએ ત્યારે પ્રથમ હાથમાં સોંઘો સુગંધી પદાર્થ અત્તર (સમય મુજબ) લગાવવું.શીતકાલ હોય તો અંગીઠી ઉપર હાથ તપાવી પ્રથમ મુખારવિંદ તરફથી ચાદર સાવધાનીથી ઉઠાવી શ્રીને વસ્ત્ર ધરવા.શ્રી મસ્તકે પાઘ ટોપી ટોપો (લાલન હોયતો) ૠતુ પ્રમાણે ધરવું અને પ્રભુને સિંહાસન પરના ગાદીતકીયા પર પધરાવવા.સાથે જમણી બાજુએ વેણુજી પધરાવવા.પછી મુખવસ્ત્રથી પ્રભુનું મુખારવિંદ લુછી સિદ્ધકરેલી મંગળભોગની સામગ્રી તુરંત ધરવી.મંગળભોગ આરોગાવતી વખતે હાથ જોડીને નીચે મુજબ વિનંતી કરવી હે પ્રભો! શ્રી મહાપ્રભુજીની કાનીથી, શ્રી ગુંસાઈજીની કાનીથી, શ્રી દામોદરદાસ હરસાનીની આડીથી શ્રી વ્રજવનિતાઓના૮૪-૨૫૨ વૈષ્ણવો તથા શ્રી ગુરૂદેવના ભાવથી આપ સર્વ વ્રજભક્તો સહિત મંગળભોગ આરોગવાની કૃપા કરજો. (આમ દરેક ભોગમાં વિનંતી કરવી.) પછી ટેરો લઈ બહાર આવી પ્રભુને સાષ્ટાંગ દંડવત્ કરવા.મંગળભોગનો સમય ૧૦ થી ૧૨ મિનિટ અથવા આપણી અનુકૂળતા પ્રમાણે રાખવો.

    મંગળભોગમાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય ત્યારે આજુબાજુ શૈયા મંદિરમાં શૈયાજી ઉઠાવી તે સ્થાનને ભીના અને કોરા વસ્ત્રથી સ્વચ્છ કરવું.શૈયાજી ઉપરથી ગાદીતકીયા ઉઠાવી ખંખેરી શૈયાજી પર પધરાવવા અને ફરી પાછી વ્યવસ્થિત રીતે ગાદીતકીયા ચાદર વગેરે બિછાવવા.ૠતુ અનુસાર ચાદર તકીયા ગાદી ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવવા.શીતકાળમાં મખમલરંગીન રેશમી વસ્ત્રથી ગોઠવવું. રજાઈ ચાદર રંગીન હોય.ઉષ્ણકાળમાં શ્વેત મલમલના ચાદર વસ્ત્ર ધરવા.પ્રભુને તે દિવસે ધરવાના વસ્ત્રો શૃંગાર વગેરે અલગ કાઢી લેવા. પ્રભુને સ્નાન કરાવવા માટે નવશેકુ ગરમ જળ અંગવસ્ત્ર કરવાનું વસ્ત્ર અત્તર વગેરે સર્વ તૈયારી કરવી. શૃંગારભોગની તૈયારી કરવી. આ બધી તૈયારી થઈ જાય પછી મંગળભોગ સરાવતા તાળી વગાડી ટેરો ખોલવો.પ્રભુને આચમન કરાવી મુખવસ્ત્રથી મુખ અને હસ્ત લૂછી બે બીડાં ધરવા અને ઝારીજી ફરીથી ભરવા. મંગળભોગની પ્રસાદી અલગ પ્રસાદ રાખવાની જગ્યાએ રાખવી.ઝારીજીનું પ્રસાદી જળ પ્રસાદી પાત્રમાં ઠાલવી ઝારીજી ખાસા કરી ફરીથી ભરવા.પછી મંગળા સમયના દર્શન કરવા. મંગળાની આરતીની ભાવના કરવી. કીર્તન કરવું. આ મંગળા સમયની સેવાનો ક્રમ તેમાંથી યથાશક્તિ આચરણ કરવું.

    સ્નાન, શૃંગારભોગ, શૃંગાર સમયનો પ્રકાર  :  
    શ્રી ઠાકોરજીને શૃંગાર કરવા માટે ટેરો કરી બેસવું જેથી બહારનાઓની દ્રષ્ટિ પ્રભુ ઉપર પડે નહીં.ૠતુ અનુસાર સોહાય તેવું ગરમ જળ (નવશેકુ) લેવું.શ્રીઅંગ લૂછવા માટે મૂલાયમ[મલમલ] વસ્ત્ર લે તેને અંગવસ્ત્ર કહેવાય.વસ્ત્રો શૃંગાર અત્તર ફૂલેલ વગેરે બધું લઈને બેસવું.સાથે એક થાળીમાં શૃંગારભોગમાં મીસરી સૂકામેવાની કટોરી અનસખડી ધરવાવાળા વૈષ્ણવે આ ઉપરાંત નાના ઠોર નાગરી દૂધઘર મીઠાઈ યથાશક્તિ સાજી તૈયાર કરી પછી શ્રી ઠાકોરજીને સ્નાન માટે પધરાવવા.

    સેવામાં ચિત્રજી અથવા શ્યામ સ્વરૂપ બિરાજતા હોય તો રજાઈ જેવી ગાદી ખોળામાં રાખી તેની ઉપર શ્રી ઠાકોરજીને પધરાવવા. મંગળાના વસ્ત્રો અને શૃંગાર વડા કરવાં અને એક વસ્ત્ર જળમાં બોળી તેનાથી સ્નાન કરાવું તથા કોરા અંગવસ્ત્રથી શ્રીંઅંગ લૂછવું. પછી અત્તર સોંધા વગેરે પદાર્થ સમર્પી ૠતુ અનુસાર વસ્ત્ર વાઘા ધરાવી શૃંગાર વખતે મીસરી અને સૂકા મેવાની કટોરી ધરવી.ઝારીજી પણ રહે.

    શ્રી બાલકૃષ્ણલાલ, શ્રી લાલન સ્વરૂપ કે ઠાડું સ્વરૂપ (શ્રી ગોવર્ધનનાથજી શ્રી મદનમોહનજી શ્રી નટવરપ્રભુજી) હોય તો સ્નાન કરાવવા માટે ચોકી ઉપર થાળીમાં ચાર ગડી કરેલું વસ્ત્ર બિછાવી તેના ઉપર પ્રભુને પધરાવી મંગળા સમયનાં વસ્ત્રો અને શૃંગાર વડાં કરી શ્રી અંગે ફુલેલ લગાવી પછી સોહાતા નવશેકા જળથી સ્નાન કરાવવું. નિશ્ચિત દિવસોએ અને ઉત્સવના દિવસોએ અભ્યંગ થાય છે જે આંબળાચંદન વગેરેથી સિદ્ધ થાય છે.શીતકાળમા પંદર દિવસે એક વાર ઉષ્ણકાળમાં અઠવાડિયે બે વાર બાકીના સમયમાં અઠવાડિયે એક વાર થાય.નજીકમાં ઉત્સવનો દિવસ હોય તો ઉત્સવના દિવસે થાય.અભ્યંગમાં પ્રથમ શ્રી અંગે ફુલેલ લગાડવું પછી આંબળા અને ચંદનનો ઉબટન કરવો. ત્યાર બાદ સોહાતા નવશેકા જળથી સ્નાન કરાવી લોટીમાં જે થોડું જળ વધે ત્યારે પ્રભુના મસ્તક પરથી ઓવારણાં લઈ થાળીમાં રેડી દેવું. પછી શ્રી અંગને કોરા અંગવસ્ત્રથી લૂછી અત્તર ફૂલેલ સમર્પી ૠતુ અનુસાર નવા વસ્ત્રો ધરાવી શૃંગાર માટે બીજી ચોકી પર પધરાવી શૃંગાર કરવા. સાથે શૃંગારભોગની સામગ્રી તૈયાર કરેલી ધરવી.

    જો વૈષ્ણવને ત્યાં શ્રી ગિરિરાજજી અથવા શ્રી શાલીગ્રામજી બિરાજતા હોય તો નિત્ય શૃંગાર કરવા. સાથે શીતળ જળથી સ્નાન કરાવી પછી દૂધથી સ્નાન કરાવવું.ફરીથી પાછું જળથી ઉપર મુજબ સ્નાન કરાવી અંગ વસ્ત્રથી લૂછી અત્તર અને ફુલેલ સમર્પવું.પછી શ્રી ગિરિરાજજીને વસ્ત્રના સંપુટમાં પધરાવી ઉપર ઓઢણી અવશ્ય ધરવી.

    શૃંગારમાં ૠતુ અનુસાર માળાઓ અને શ્રી મસ્તકના શૃંગાર ધરવા.શૃંગાર શ્રી ચરણારવિંદના નખથી શરૂઆત કરી અને શિખા (શ્રી મસ્તક) સુધી શૃંગાર ધરવા.શિયાળામાં જડાવ ઉષ્ણકાળમાં મોતી અથવા છીપ વર્ષાૠતુમાં જડાવ અથવા મોતી અને વસંતમાં હોળી સુધી સોનાના શૃંગાર ધરાય. શ્રી મસ્તક પર પાગફેંટા, ગોટીપગા, દુમલા, મોરશિખા, ચંદ્રિકા, કતરો, મુગટ, કુલ્હેજોડ ઈત્યાદિ ઉત્સવ અનુસાર ધરવા.છેલ્લે માળા ધરવી.બીજા કોઈ શૃંગાર ન બનેતો ગુંજામાળા અવશ્ય ધરવી.ગુંજામાળા ધર્યા વગર શૃંગાર અધૂરા રહે છે. શૃંગાર ધરીને શ્રી ઠાકોરજીને સિંહાસન પર પધરાવવા.પછી બની શકે તો સિદ્ધ કરેલી પુષ્પ માળા ધરવી.પુષ્પ માળા ગુલાબ, મોગરો, જુઈ, ચમેલી, ચંપા(કેસરી) તુલસીપાન વગેરેથી બનાવવી. અગર પુષ્પમાળા ન બની શકે તો સુંદર રેશમી અથવા સુતરનું પવિત્રુ પુષ્પમાળાના ભાવથી ધરવું. ત્યાર બાદ ઝારીજી ફરીથી ભરીને ધરવા. શ્રીઠાકોરજીને વેણું ધરી દર્પણ બતાવવું.બે વાર દર્પણ બતાવી આપણા હૃદયને છાતી સાથે આલિંગન સમાન ભાવથી લગાડવું.શ્રી ઠાકોરજીને આપણે પ્રત્યક્ષ હ્ય્દય સાથે આલિંગન આપી શકતા નથી તેથી આ ભાવનાથી દર્પણ હ્ય્દય સાથે લગાડવું. ચરણસ્પર્શ કરી પ્રસાદી જળનું ચરણામૃત લઈ હાથ ખાસા કરી વેણુજીને વડા કરવા અને સિંહાસનની જમણી બાજુએ શૃંગાર ધરવો ઉપર વસ્ત્ર ઢાંકવું. પાલનામાં ઝુલાવાની ભાવના કરવી કિર્તન બોલવા ઘૂઘરો ચકરડી વગેરે ખિલોનાથી ખેલવવા. શૃંગારના દર્શન પછી હવેલી મંદિર અને શ્રી વલ્લભકુળના ઘરમાં જ ગોપીવલ્લભ ભોગ અને ગ્વાલ ભોગ આવે છે.વૈષ્ણવ ના ઘરમાં આ પ્રકાર આવે નહીં. આ ભાવના નંદાલયની નિકુંજની છે ગોપીજનોના નિકુંજોની નથી. શૃંગાર ભોગના સમય દરમ્યાન રાજભોગની તૈયારી કરાવવી.શૃંગાર ભોગ સર્યા પછી શ્રીઠાકોરજીને પલનામાં પધરાવવા. જે વૈષ્ણવને પલના ના હોય તો તેમણે પલનાની ભાવના કરી શ્રી ઠાકોરજીને ઝૂનઝૂના ઘૂઘરા અને ચકરડીથી ખેલવવા. એક બે કિર્તન કે પદ આવડે તે ગાવા. પલનાના સમયે શ્રીઠાકોરજીની જમણી બાજુ પલનાની નજીક પલના ભોગ ધરવો.તેમાં દૂધઘર નાગરી માખણમીસરી ભૂંજેલામેવા સૂકામેવા વગેરે યથાશક્તિ સામગ્રી ધરાવવી. પલનાની ડાબી બાજુ ઝારી તથા એક બીડું ધરવું. ત્યાર બાદ પુષ્પમાળા વડી કરી શ્રી ઠાકોરજીને પાલનેથી જ્યાં રાજભોગ સાજ્યા હોય ત્યાં પધરાવવા.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.