શ્રી ગુંસાઈજીનું જીવન

વિ.સં.૧૫૫૬ ને શિશિર ૠતુ, પોષમાસ, દક્ષિણ ભારતની દ્વિતીય યાત્રા કરતા કરતા શ્રી વલ્લભાચાર્યજી સુપ્રસિધ્ધ વૈષ્ણવતીર્થ પંઢરપુરમાં પધાર્યા છે.અંહી ભીમા અને ચંદ્રભાગા નદીની શાખાનો સંગમ થાય છે.જે ‘ભીમરથી’ ના નામે પ્રસિધ્ધ છે.અંહી પંઢરપુરમાં ભક્તવત્સલ શ્રી વિઠ્ઠલનાથજી બિરાજે છે.દક્ષિણના વૈષ્ણવો લાડમાં તેમને ‘ વિઠોબા ’ના નામે સંબોધે છે.શ્રી વલ્લભ સેવકો સહિત શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરે પધાર્યા.ભક્તે અને પુજારી ઓએ પ્રસન્ન થઈ શ્રી વલ્લભનો સત્કાર કરી મંદિરમાં પધરાવ્યા.શ્રી વલ્લભે શ્રી વિઠ્ઠલનાથજીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી, ભેટ ધરી, શ્રી વિઠ્ઠલનાથજીને પંચામૃત સ્નાન કરાવી, કેસરમિશ્રિત જળથી સ્નાન કરાવ્યું.સાથે પધરાવેલી સામગ્રીનો ભોગ ધરીને

ચરણસ્પર્શ કર્યા. પછી શ્રી વલ્લભ પોતાના મુકામ પાછા પર પધાર્યા.આપશ્રીએ અંહી બિરાજી શ્રીમદ્ ભાગવત્ પારાયણ સપ્તાહ કરવાનો મનોરથ કર્યો.તે વખતે પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજી ત્યાં પધાર્યા.શ્રી વલ્લભ પોતાના સેવકો સાથે શ્રી વિઠ્ઠલનાથજીને પધરાવવા સામે ગયા.શ્રી વલ્લભે બે હાથ જોડી સ્નેહથી પૂછ્યું, હે પ્રભુ! આપની સેવા અને દર્શન માટે હું આપને ત્યાં આવ્યો હતો. આપે અંહીં સુધી પધારવાનો શ્રમ શા માટે લીધો? શ્રી વિઠ્ઠલનાથજીએ પ્રેમપૂર્વક જણાવ્યું, શ્રી વલ્લભ, શ્રી પૂર્ણ પુરૂષોત્તમ પભુની આજ્ઞાથી પૃથ્વી પરના દૈવી જીવોનો ઉદ્ધાર કરવા આપ પ્રાકૃત દેહ ધારણ કરી પ્રગટ થયા છો.આપ આપના આ આધિભૌતિક દેહથી સદાકાળ પૃથ્વી પર બિરાજી શકશો નહીં.પૃથ્વી પરના દૈવી જીવોની સંખ્યા અપરંપાર છે.એ બધા જીવો નો ઉધ્ધાર આપ એક જન્મમાં કેવી રીતે કરશો? આપને ત્યાં સાક્ષાત શ્રી પૂર્ણ પુરૂષોત્તમ પભુ પુત્ર સ્વરૂપે પ્રગટ થવા ઈચ્છે છે. ત્યાં જ શ્રી વિઠ્ઠલનાથજીની બાજુમાં શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થયા.આપે આજ્ઞા કરી શ્રી વલ્લભ તમને તો ઈચ્છા એહ છે કે હું નંદન તમે તાત શ્રી વિઠ્ઠલનાથજીએ મારી આજ્ઞા જણાવી છે.આપની ગોદમાં મારે ખેલવું છે.હવે વિલંબ કરશો નહીં. શ્રી ગોવર્ધનનાથ અંતર્ધ્યાન થઈ ગયા.

શ્રી મહાપ્રભુજીને પંઢરપુરમાં થયેલી શ્રી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે આપશ્રીએ શ્રી મહાલક્ષ્મીજી સાથે લગ્ન કર્યા.તે લગ્નથી વિ.સં.૧૫૬૭( ઈ.સ.૧૫૧૦) માં તેમને ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું.ત્યાર બાદ શ્રી મહાપ્રભુજી કુટુંબ સાથે ચરણાદ્વિ (ચરણાટ) પધાર્યા. ચરણાટને આજે ત્યાંના લોકો ‘ચુનાર’ કહે છે.તે કાશીથી થોડે દૂર આવેલું છે.ત્યાં ચરણાદ્રિ નામનો પર્વત છે.તે ભગવાનની ‘ક્રિડાભૂમિ ’ કહેવાય છે.તે અલૌકિક, પવિત્ર, રમણીય અને એકાંત વનસ્થલી હતું.શ્રીમહાપ્રભુજી ત્યાં પર્ણકુટિ બનાવી કુટુંબ સાથે બિરાજ્યા.પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજી પાંચ વર્ષના થયા હતા.વિ.સં.૧૫૭૨ (ઈ.સ.૧૫૧૫) નો સમય હતો.માગશર મહિનો હતો.શ્રી મહાપ્રભુજી અને શ્રી મહાલક્ષ્મીજીને પર્ણકુટિમાં દરરોજ દેવતાઓની સ્તુતિનો મધુર અવાજ સંભળાતો.તેથી તેમને ખાત્રી થઈ ગઈ કે હવે તેમને ત્યાં શ્રી પ્રભુજી પુત્ર સ્વરૂપે પ્રગટ થશે.માગશર વદ નવમીને શુક્રવાર હસ્ત નક્ષત્ર હતું.શોભન યોગહતો.તૈતિલિકરણ હતું.૨૧ ઘડી ઉપર ૨૫ પળનો સમય વ્યતીત થયો હતો.ત્યારે બીજા પુત્રનું પ્રાગટ્ય થયું.સૌએ આનંદપૂર્વક નંદમહોત્સવ કર્યો.તે સમયે એક બ્રાહ્મણે શ્રી મહાપ્રભુજી પાસે આવીને કહ્યું, મારું નામ બટુક છે.હું રામાનુજ મતનો સેવક છું.મેં ગંગાકિનારે એકાંતવાસ કરી બાર વર્ષ સુધી શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કર્યો છે.ગંગાજીમાંથી મને પ્રભુની આજ્ઞા થઈ છે કે તુ ચરણાટ જા.ત્યાં હું પ્રગટ થયો છું.ત્યાં તને મારા દર્શન થશે.તેથી હું આવ્યો છું.મને પ્રભુના દર્શન કરાવો.મારી પાસે શ્રી વિઠ્ઠલનાથજીનું એક સ્વરૂપ છે તે તમે પધરાવો. શ્રી મહાપ્રભુજી ઘણાં પ્રસન્ન થયાં.તેમણે દામોદરદાસ હરસાનીને આજ્ઞા કરી,‘ દમલા, શ્રી ઠાકોરજી આજે પ્રભુ અને પુત્ર બન્ને રૂપે પધાર્યા છે.તેથી આ પુત્રનું નામ ‘ શ્રી વિઠ્ઠલનાથજી ’ પાડું.વિઠ્ઠલ એટલે ‘ અજ્ઞાનીઓને પ્રકાશ બતાવનાર ’. આ બાળક પુષ્ટિમાર્ગનો પૂર્ણ વિકાસ કરશે. ભવિષ્યમાં તેઓ ‘ શ્રી ગુંસાઈજી ’ ના નામે પ્રસિધ્ધ થશે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.