શ્રી ગુસાંઈજી - સેવાપ્રણાલિનો વિકાસ
શ્રી વિઠ્ઠલેશે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલી સેવા પ્રણાલિકાનો ઘણો વિકાસ કર્યો.શ્રી ઠાકોરજીના સુખ માટે વિવિધ કલાઓનો સેવામાં ઉપયોગ કર્યો.સેવામાર્ગને કલાત્મક રૂપ આપ્યું.સેવામાં રાગ, ભોગ અને શૃંગારને કલાત્મક રીતે યોજ્યાં.વિવિધ વસ્ત્રો જેવા કે ચાકદાર વાઘા, ઘેરદાર વાઘા, સુથન કાછની અને પટક તૈયાર કરાવ્યા.શૃંગારમાં મુકુટ, ટીપારો, ચંદ્રિકા, કતરા, સહેરો એમ જાતજાતનાં શૃંગાર તૈયાર કરાવ્યા.નખથી શિખા સુધીના સોળ શણગાર શ્રી ઠાકોરજીને ધરવાની તેમણે શરૂઆત કરી.ૠતુ પ્રમાણેના વસ્ત્રો, આભૂષણો, પિંછવાઈઓ વગેરે ધરવાનું ચાલુ કર્યું.ૠતુ પ્રમાણે અત્તરો ધરવા માડ્યાં.સખડી, અનસખડી અને દૂધઘરની જાતજાતની સુંદર મધુર સામગ્રીઓ પણ શ્રી ઠાકોરજીને ધરાવવાની

તેમણે શરૂઆત કરી.આમ શ્રી વિઠ્ઠલેશે મંગળાથી શયન સુધીનો નંદાલયની સેવાનો પ્રકાર પ્રગટ કર્યો.જુદી જુદી ૠતુ પ્રમાણે બંગલા, ફુલમંડળી, હોળીખેલ, બગીચા, નાવપનઘટ, રથ, હિંડોળા, દાન, સાંઝી, અન્નકુટ, પલના જેવા અનેક મનોરથો તેમણે શરૂ કર્યાં.કુનવારો અને છપ્પનભોગ પણ અંગિકાર કરાવ્યા.ખટૠતુનો મનોરથ કર્યો.શ્રી ઠાકોરજી ની સેવામાં તેમણે કિર્તનોનો સમાવેશ કર્યો.ધ્રુપદ સંગીતની પધ્ધતિ સ્વીકારી.વ્રજભાષામાં ભક્ત્ કવિઓએ રચેલા જુદી જુદી લીલાના પદ, જુદાજુદા રાગના કિર્તનો શ્રી ઠાકોરજી સામે ગાવા તેમણે અષ્ટછાપ કવિમંડળની સ્થાપના કરી.તેમાં શ્રી મહાપ્રભુજીના સેવક કિર્તનકાર પૈકી સૂરદાસ, પરમાનંદદાસ, કુંભનદાસ, અને કૃષ્ણદાસનો સમાવેશ કર્યો.પોતાના સેવક તરીકે કિર્તનકારો પૈકી છીતસ્વામી, ગોવિંદ સ્વામી, ચતુર્ભૂજદાસ અને નંદદાસનો સમાવેશ કર્યો.ભારતના સાંસ્કૃતિક, સંગીત અને કલાઓના વિકાસમાં શ્રી વિઠ્ઠલેશનું યોગદાન ખુબ મોટું છે.તેમણે પુષ્ટિમાર્ગમાં સેવા પધ્ધતિને બહુ વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું.લગભગ ૪૨૫ વર્ષોથી તે પ્રમાણે જ સેવા થાય છે.શ્રીનાથજીના સુખ માટે તેમણે શ્રીનાથજીનો વૈભવ પુષ્કળ વધાર્યો.ગિરિરાજની તળેટીમાં ગાયો માટે મોટી ગૌશાળાઓ બંધાવી.જૂના વાવ, કુવા અને કુંડ સમરાવ્યાં.ગોપાલપુર નામનું ગામ વસાવ્યું.