અષ્ટાયામ સેવા

નંદાલયે ઉછરેલા શ્રીકૃષ્ણની દિનચર્યા સાથે અષ્ટાયામ સેવા સબંધિત છે. આઠે આઠ પ્રકારની વૈવિધ્યપૂર્ણ સેવામાં સ્થિતિ કે સંયોગનું મહત્વ નથી.મહત્વ છે દીનતાનું અને પ્રેમનું અનન્યતા તદાધીનતા અને તત્સુખીત્વના ભાવનું.પ્રભુની બાળકૃષ્ણ સેવામાં મુખ્યત્વે વાત્સલ્ય ભાવનું પ્રાધાન્ય છે.તેમ છતાં તેમાં સખાભાવ દાસ્યભાવ માધુર્યભાવ આદિ્ ભાવોનો પણ સમાવેશ છે.અષ્ટાયામ સેવાપ્રણાલિમાં ઐશ્વર્યભાવ તો જરાપણ નથી.

આઠે પ્રકારની સેવામાં સેવ્ય સ્વરૂપ ભલે એનું એજ યાને બાલકૃષ્ણ ગોવર્ધનધારી રૂપ બિરાજતું હોય પરંતુ પ્રત્યેક યામના સમા - સમાના દર્શન વખતે ભક્તેએ પ્રભુના નોખા નોખા સ્વરૂપનું મનમાં ધ્યાન ધરીને ભક્તિભાવે દર્શન કરવાના છે.અષ્ટાયામ સેવાના પ્રત્યેક સમાના દર્શનમાં શ્રીનાથજી જુદા જુદા સ્વરૂપે આપણી સન્મુખ ઠાડા છે એવી ભાવના આપણે મનમાં ધારણ કરવાની છે.

ટૂંકમાં મંગળાના દર્શન શ્રી નવનિતપ્રિયાજીના શૃંગારના દર્શન શ્રીગોકુળચન્દ્રમાજીના્ ગ્વાલના દર્શન, શ્રી દ્વારકાધીશજીના અને રાજભોગના દર્શન પ્રભુના મૂળ સ્વરૂપના ભાવે એટલે કે શ્રીનાથજીના ભાવે કરવાના છે.ઉત્થાપન સેવાના દર્શન શ્રીમથુરાધીશજીના ભોગદર્શન, શ્રીબાલકૃષ્ણ [ગોવાળકૃષ્ણ] ના, સંધ્યાના દર્શન શ્રી વિઠ્ઠલનાથજીના અને શયનના દર્શન શ્રીમદનમોહનજીના ભાવથી કરવાના છે.

પુષ્ટિ સંપ્રદાયમાં અષ્ટાયામ સેવા બે ભાવથી થાય છે.એક ‘નંદાલય’ ના ભાવથી અને બીજી ‘નિકુંજ’ ના ભાવથી. નિધિ સ્વરૂપના મંદિરોમાં અને પ્રસ્થાપિત હવેલીઓમાં થનારી અષ્ટાયામ સેવા પાછળ નંદાલયનો ભાવ રહેલો છે.એમાં પ્રત્યેક વૈષ્ણવ પ્રત્યક્ષ રીતે સેવા - પ્રાવિધિ માં ભાગ લઈ શકે નહીં. વ્રજભૂમિમાં નંદબાવાના ઘરે બાળ કનૈયાના દર્શન કરવા જતી ગોપીઓની જેમ દૂરથી જ પ્રભુના દર્શન કરવા દેવાય છે.જ્યારે નિકુંજભાવની સેવામાં જે રીતે વ્રજના ગોપીજનો નિજ નિકુંજમાં - ઘરોમાં પ્રભુને લાડ લડાવી સ્વહસ્તે ખવડાવી અને પીવડાવી એની સેવા કરતા હતા તે ભાવે દરેક વૈષ્ણવ પોતાના નિવાસસ્થાનમાં પોતાના ગુરૂ દ્વારા પુષ્ટાવેલી સેવાસ્વરૂપની માન્ય વિધિ અનુસાર નિત્ય સેવા કરીને પોતાના મનોરથ સાકાર કરી શકે છે.

વૈષ્ણવો પોતાના ઘરમાં કરાતી સેવામાં મધ્યાહ્ન પૂર્વેની તૃતીય ક્રમની ગ્વાલ સેવા નહીં કરી શકે અને મધ્યાહ્ન પછીની દ્વિતીય ક્રમની ભોગ સેવા પણ નહીં કરી શકે. તેથી એમની નિકુંજ સેવા અષ્ટાયામને બદલે ષષ્ટાયામ બની રહેશે.

પુષ્ટિ સંપ્રદાયમાં પ્રભુના સેવ્ય સ્વરૂપને જડ પાષાણની કાષ્ટની કે ધાતુની મૂર્તિ તરીકે નહીં પરંતુ સાક્ષાત જીવંત વ્યક્તિત્વ ધરાવતી પ્રતિમા સમજીને એમની સેવા કરવાની છે.

અષ્ટાયામ સેવા પાછળ ત્રણ પ્રકારની ભાવના રહેલી છે. સ્વરૂપભાવના, ભાવભાવના અને લીલા ભાવના.સ્વરૂપ ભાવનામાં આધિભૌતિક ભાવ સમાવિષ્ટ છે.જે સ્વરૂપની સેવા કરવામાં આવે તે સ્વરૂપ શેનું છે તેનું દર્શન કરવું એટલે ‘સ્વરૂપ ભાવના’.પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીનાથજીને ભોગરૂપે ધરાતા પદાર્થો સામગ્રી ઈત્યાદિ મૂળમા તો વ્રજભક્તોના ભાવાત્મક સ્વરૂપો છે.તેથી ભાવભાવનામાં આધિદૈવિક ભાવ સમાવિષ્ટ થાય છે.દા.ત.નંદાલય ભાવ કે નિકુંજ ભાવમાં શય્યા મંદિરના દ્વાર જાણે સ્વામિનીજીની પાંપણોં હોય એ ભાવ મનમાં ધારણ કરીને ખુબ હળવેથી અને સહેજ પણ અવાજ ન થાય એ રીતે ખોલવામાં આવે છે.આ થઈ ભાવભાવના.

લીલા ભાવનામાં સમાવિષ્ટ આધ્યાત્મિક ભાવ એવો છે કે પ્રાતઃ મંગળાથી રાત્રિ શયન સુધીની જે અષ્ટાયામ સેવા પ્રયોજાય છે તેનું તથા પ્રત્યેક તિથિવિશેષ ઉત્સવ વિશેષ પ્રભુને જે વિશિષ્ટ પ્રકારના શૃંગાર વસ્ત્રાભૂષણોં ભોગ ઈત્યાદિ ધરાવાય તેનું જ્ઞાન પુષ્ટિજીવી વૈષ્ણવે હૃદયરસ્થ કરવું.

પુષ્ટિમાર્ગના હરકોઈ વૈષ્ણવે પ્રભુની સેવા ‘ ગોપીભાવ ’ અર્થાત ‘ સ્ત્રીભાવ ’ થી કરવાની હોય છે. વ્રજગોપીનો ‘ લાવણ્ય ભાવ ’ મનમાં ધારણ કરીને જ વૈષ્ણવપુરૂષે પણ પ્રભુની સેવા કરવાની છે.પુષ્ટિમાર્ગી પુરૂષોએ સાચા અર્થમાં પ્રભુ શ્રીકૃષ્ણની સેવાનું ફળ પ્રાપ્ત કરવા માટે કંચૂકીના સ્થાને વૈષ્ણવીબંડી સૌભાગ્ય ચિહ્નના સ્થાને ઉર્ધ્વ તિલક અને મંગળસૂત્રના સ્થાને તુલસીની કંઠી કે તુલસીની માળા ધારણ કરવાના હોય છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.