રાસોત્સવ

આસો સુદ ૧૫ ને શરદપૂનમ/શરદોત્સવ/રાસોત્સવ એટલે કે પૂર્ણ ચંદ્રના પ્રકાશવાળી પૂનમ કહે છે.પુષ્ટિના મુખ્ય ઉત્સવોમાં રાસોત્સવનું પ્રાધાન્ય છે.કારણકે રાસોત્સવનું મુખ્ય પ્રયોજન પુષ્ટિભક્તોને સ્વરૂપાનંદનું દાન અને કામદેવ પર વિજય માટેનું છે.અને ભજનાનંદમાં જે લીલા ઉપયોગી છે તે ફળ પ્રકરણમાં પ્રસિદ્ધ છે.તેમાં દરેક વસ્તુ અધિકાર પરત્વે છે.ઉચ્ચકોટિના અધિકારી ભક્તો માટે જ રાસનો ઉત્સવ છે.ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત રસસ્વરૂપ છે.શ્રીમદ ભાગવતના પંચાધ્યાયીમાં ભગવાન શ્રીકૃષ્ણ તરફ ગોપીઓનો વિશુદ્ધ માધુર્યનો જે ભાવ બતાવવામા આવ્યો છે તે રાસલીલા છે.પ્રભુ પ્રેમ અને આનંદના પૂંજ છે.તેમનો પ્રેમ પૂર્ણ વિશુદ્ધ છે. પ્રેમના માટે જ તેઓશ્રીએ અવતાર ધારણ કર્યો છે. શરદપૂનમની રાત્રે પ્રભુ વેણુનાદ કરી રાસલીલા કરવાની ઈચ્છાથી વ્રજભક્તોને બોલાવે છે.પ્રભુ વેણુનાદ કરી સર્વ ભક્તોના મન હરી લે છે.ભગવાનની વેણુના નાદામૃતનું પાન કરીને દેહગેહની સુધ ભૂલીને આનંદવિભોર થઈ ગોપી જનો શ્રી પ્રભુના જ ગુણ-સ્વરૂપની ચર્ચાઓ કરે છે.શ્રી ઠાકોરજીએ વ્રજભક્તો સાથે રાસલીલા અનેક પ્રકારની કરી તેથી શ્રમજળ-પરસેવો પ્રગટ થયાં. આ રસના ભોક્તા શ્રી યમુનાજી છે એમ જાણી શ્રી ઠાકોરજી ભક્તો સહિત શ્રી યમુનાજીમાં પધાર્યા.જળક્રિડા કરી શ્રમનું નિવારણ કર્યું.આ પ્રકારે રાસલીલા શ્રીમદ આચાર્યચરણની દ્દષ્ટિએ ભગવાનના અનુગ્રહિત ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરવાને અર્થે છે.પુષ્ટિમાં શરદપૂનમ ની રાત્રિ ‘ફલાત્મક નવરાત્રિ’ છે.