વિજયાદશમી / દશહરા / અંકુરાર્પણ

આસો સુદ દશમને વિજયાદશમી-દશેરા કહેવામાં આવે છે.શ્રી સ્વામિનીજીએ પ્રભુ પર વિજય કર્યો એ ભાવના છે.દશમી સંધ્યાકાલ વ્યાપિની અને શ્રવણ નક્ષત્રવાળો દિવસ લેવાય છે.સગુણ અને નિર્ગુણ ભક્તજનો આળસભર્યા પ્રભુને એક ભક્તનો વિરહ છોડાવીને બીજા ભક્તો સાથે રસદાન કરવા માટે પ્રથમ નિકુંજભવન બાદ સંકેતવન ઈત્યાદિ નવ સ્થળોમાં પધરાવે છે અને એ રીતે નવવિલાસમાં નિજભક્તોના મનોરથ પૂર્ણ કરે છે.તેમાં મુખ્ય ચંદ્રાવલીના વિરહ પછીના મિલનનો રસાત્મક ભાવ અને નવ ભક્તે તેમજ દસમા નિજ ભક્તની ભાવનાથી દશેરા એ પ્રભુને તિલકઅક્ષત કરીને જવારા [એટલે અંકુરાર્પણ કરાય] ધરાય છે.શ્રી સ્વામિનીજીએ દશમીએ પ્રભુ ઉપર વિજય કર્યો એ ભાવથી જવારા અંગિકાર કરાયા છે.દશેરાએ પ્રભુમસ્તકે જવારા ધરાવવાની ભાવના એ છે કે શ્રી સ્વામિનીજીના ચરણમાં જવનું ચિહ્ન છે, જે પ્રભુએ શ્રી સ્વામિનીજીના ચરણ ચાંપતી વખતે જોયું હતું.તે ‘જવ’ શ્રી સ્વામિનીજીના સ્નેહાંકુર તરીકે રોપાય છે અને તે જવના જવારા ઊગે તે દશેરાએ પ્રભુમસ્તકે રાધિકાજીની આડીથી ધરાવાય છે.પ્રભુસાનિધ્યમાં એક પાટલા પર ખડીથી નવ ખાનાવાળું ચિત્ર દોરી તેના ઉપર ગોબર [છાણ]થી કરેલા દસ પૂળા મૂકાય છે.તે દસ પૂળા ઉપર સિંદૂરના પાંચ ટપકાં ભાવાત્મક રીતે કરાય છે.એમાં નવ પૂળા નવધા ભક્તિના ભાવથી અને દસમો પૂળો નિર્ગુણ પ્રેમલક્ષણા ભક્તિના ભાવથી મૂકાય છે.અને ચાર નાના પૂળા તે ચાર મુક્તિના ભાવથી આવે છે.ભક્તિ સ્વયં એકાકી[લૂખી] છે.પરંતુ તેમાં શ્રી સ્વામિનીજીના અને શ્રી ચંદ્રા વલીજીના ભાવ - અનુરાગ આવે, ભગવત્સબંધ થાય તો જ તે રસરૂપા બને છે.આ ભાવથી અક્ષત, સિંદૂર અને પ્રસાદી જવારા તે પૂળા પર ધરાય છે.મુક્તિ તો ભક્તિના હિસાબમાં કાંઈ નથી.માટે તેના નાના નાના પૂળા આવે છે.આ પૂળાને સૂકવી દેવામાં આવે છે.તે સૂકાઈ જાય પછી રૂપ ચતુદશીર્ને દિવસે એનાથી જળ ગરમ કરવામાં આવે છે અને તે જળથી પ્રભુને સ્નાન થાય છે.એનો ભાવ એવો છે કે ભક્તિ તાપાત્મક બને પછી પ્રભુના રૂપનો પ્રકાશ થાય છે.એટલે કે નવધા અને નિર્ગુણ ભક્ત્નેિ શરણે લઈ રૂપચૌદશે તેમના વિરહાગ્નિથી પ્રભુએ સ્નાન દ્વારા અંગિકાર કર્યો છે.[ દશહરાની આ ભાવના ગ્રંથોમાં જણાવેલી છે.]

આ દિવસે ગામના સીમાડે શમી - ખીજડા - છોંકર વૃક્ષનું પૂજન કરવાની પ્રથા પ્રચલિત છે.વિશેષમાં દશેરાથી આકાશી દીવો [પુષ્ટિ મંદિરોમાં] કરાય છે.તે કારતક સુદ પૂનમ સુધી રોજ રાતના પ્રગટે છે.તેની ભાવનામાં પ્રભુ સંકેત અનુસાર રોજ શયન પછી ગોકુળથી બરસાના પધારે છે.અને બરસાનાથી નંદાલય કેટલું દૂર છે તે જોવા માટે આકાશી દીવો નિશાનીરૂપ પ્રગટાવે છે.પુષ્ટિ મંદિરોમાં આજે પણ દશેરાથી આકાશી દીવો અગાશીમાં અદ્ધર પ્રગટેલો જોવા મળે છે.

[આ દિવસે શમીવૃક્ષનું પૂજન અને ઘોડાનું પૂજન કરવાનું કારણ એ છે કે તે શત્રુનો નાશ કરી વિજય અપાવે છે.]

દશેરાના દિવસે વિજય નામના કાળને શ્રવણ નક્ષત્રના યોગવાળી દશમીએ શ્રી રામચંદ્રજીએ રાવણ સાથેના યુદ્ધમાં વિજય કર્યો હોવાથી તેને ‘વિજય તિથિ’ કહે છે. શ્રી રામચંદ્રજી પણ ગામને સીમાડે જઈ પ્રથમ શમીવૃક્ષનું પૂજન કરી, યુદ્ધમાં વિજય મેળવી, વાજતેગાજતે અયોધ્યામાં આવ્યા હતા.આથી વિજયાદશમીએ બધાના સઘળા મનોરથો સિદ્ધ થાય છે.પુષ્ટિ મંદિરોમાં તે દિવસે નવવિલાસના પદો ગવાયા બાદ રામવિજયના ભાવનામય પદો અને શમીપૂજનના પદો ગવાય છે.અને દર્શન વખતે સાંજના ઘોડાને પણ પાયદળની ભાવનાથી કંકુ, અક્ષત અને પ્રસાદી ફુલમાળા અર્પણ કરાય છે. પુષ્ટિ મંદિરોમાં ભોગના દર્શન સમયે જવારા ધરાય છે અને ત્યારે ઝાલર, ઘંટાને શંખનાદ થતા પ્રભુને બે વખત તિલક કરી, અક્ષત લગાવીને, પ્રભુમસ્તક ઉપરની ચંદ્રિકા ઉતારીને જવારાની ત્રણ ઝૂડીઓ ધરાય છે.[દસ દસ જવારાની ઝૂડી જેવી કલગી પહેલેથી પીળા રેશમથી બાંધીને તૈયાર રખાય જેથી ધરતાં સુગમ પડે.] શ્રી નંદરાયજી દશેરાને દિવસે જે ખીજડા[છોંકર]ના વૃક્ષનું પૂજન કરાવતા હતા તેજ [શમી] ખીજડાના વૃક્ષ નીચે નંદગામમાં [પાનસરોવર] શ્રી આચાર્યજી પધાર્યા હતા અને એજ વૃક્ષ નીચે બિરાજ્યા.આ સ્થળે શ્રી આચાર્યજી છ માસ બિરાજ્યા અને નંદરાયજીને લીલાસ્થળોનાં દર્શન કરાવી, શ્રીમદ્ ભાગવત સંભળાવ્યું હતું.તેવું મહા નુભાવીઓની વાણીથી સાંભળવામાં આવ્યું છે.આ સ્થળે ઉદ્ધવજી પણ છ મહિના રહ્યા હતા.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.