શ્રી રામનવમી વ્રત

સૂર્યવંશમાં રામાવતાર થયો છે.રઘુરાજાના પુત્ર અજ, અજના પુત્ર દશરથ અને દશરથરાજાના પુત્ર ભગવાન શ્રીરામચંદ્રજી હતા. રામનવમીએ વહેલી સવારમાં કાંકરોળીના ઘરમાં શ્રી પ્રભુને પંચામૃત સ્નાન થાય છે કારણકે કૌશલ્યામાતાએ અગાઉ શ્રી દ્વારકાધીશ ભગવાનની સેવા કરી હતી.એટલે રામનવમીએ રામનો જન્મદિવસ હોવાથી પંચામૃત સ્નાન કરાવ્યું હતું.એટલે એ દિવસે કૌશલ્યામાતાની ભાવનાથી શ્રી દ્વારકાધીશ પ્રભુને પંચામૃત સ્નાન કરાય છે.અને જન્મબાદ મહા પ્રસાદ લેવાય છે.

શ્રી રામચંદ્રજીના સ્વરૂપે પ્રભુએ પુષ્ટિના ચાર કાર્યો કર્યા.પહેલું કાર્ય એ કે જ્યારે સમુદ્રમાં વાનરસેના સેતુ બાંધતી હતી ત્યારે પથ્થરો પાણીમાં ડૂબી જતાં એટલે આપે પ્રમેયબળથી પથ્થરો પર ‘રામ’ શબ્દ લખીને પાણીમાં નાખતાં તરત તરવા લાગ્યા અને ઠેઠ સુધી સેતુ બંધાયો.આ રીતે મર્યાદા પુરૂષોત્તમ રામે પોતાના નામનો પ્રતાપ બતાવ્યો હતો.બીજું કાર્ય એ કે આપ ક્ષત્રિય હોવા છતાં ભીલજાતની શબરીનાં એઠાં બોર આરોગ્યા.તેમાં સ્નેહભાવ, વાત્સલ્ય અને પવિત્રતાનો જ વિચાર કર્યો.પ્રેમભાવમાં નેમ ન હોય એ રીત પ્રમાણે ભીલડીના પ્રેમભાવને વશ થઈ રૂચિ કરીને બોરના વખાણ કરીને આરોગ્યાં.ત્રીજું કાર્ય ગૌતમ ૠષિના પત્ની અહલ્યા પતિના શ્રાપને લીધે શિલા બની ગયા હતા.તેમને શ્રીરામના ચરણકમળોનો સ્પર્શ થતાં દિવ્ય દેહધારી સ્ત્રી થઈ ગયા એ રીતે ચરણસ્પર્શનો પ્રતાપ બતાવ્યો.આ પુષ્ટિ [કૃપા]નું જ કાર્ય હતું.ચોથું કાર્ય દશરથ રાજાને સ્વર્ગમાં સ્થાન આપ્યું અને અયોધ્યાવાસીઓને પોતાની સાથે નિજ ધામમાં લઈ ગયા.જો કે બધા જીવોને એક સાથે વૈકુંઠની પ્રાપ્તિ ન થાય.પરંતુ એ કાર્ય પુષ્ટિનું ચોથું કાર્ય છે.

આ પ્રસંગના અનુસંધાનમાં જણાવવાનું કે પ્રહલાદજીએ પિતાનું વચન પાળ્યું નહીં છતાં લોકોમાં તેમની હાનિ ન થતાં ઉલટા ગુણગાન ઘેરઘેર ગવાયા અને પ્રભુના એ પ્રિય ભક્ત્ હોવાથી પ્રભુએ નિજ ધામમાં અંગિકાર કર્યા.આ જ રીતે દશરથ રાજાએ પ્રભુનું સુખ વિચારી પોતાના વચનનું ઉલ્લંઘન કર્યું હોત તો સ્વધામ જવાના જ ફળની પ્રાપ્તિ થાત.છતાં સ્વર્ગમાં ગયા એ કેવળ પ્રભુ રામની કૃપાને લીધે જ.આ ઉપરથી સમજવાનું કે ભક્તોનો પ્રેમભાવ પ્રભુને પ્રિય છે.અને ભક્તો પર દ્વેષ રાખનાર કે કરનાર પ્રભુને અપ્રિય છે.પ્રભુના દયાળુપણાને લીધે જ દશરથને સ્વર્ગની પ્રાપ્તિ થઈ.કારણકે સત્ય, પરોપકાર, દયા વગેરે મર્યાદા ધર્મો છે.અને પ્રભુસ્મરણ, સેવા, સમર્પણ, પ્રેમ અને પ્રભુદર્શન વગેરે પુષ્ટિ ધર્મો છે. મર્યાદાનું ફળ સ્વર્ગલોક અને પ્રભુ પ્રેમભક્તિનું ફળ નિજધામ છે.

પંચામૃત એટલે પૃથ્વીમાં રહેલા પાંચ અમૃતો - ૧] દૂધ [ શ્રી સ્વામિનીજીનો ભાવ ] ૨] દહીં [ શ્રુતિરૂપાનો ભાવ ] ૩] ઘી [ શ્રી યમુનાજીનો ભાવ ] ૪] ખાંડ [ ૠષિરૂપાનો ભાવ ] ૫] મધ [ પુલિંદજી નો ભાવ ].પંચામૃત સ્નાન થાય ત્યારે દર્શન કરતાં આ ભાવના વિચારવી એટલે દર્શનનું સુખ મળી શકે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.