પુષ્ટિધર્મ
પુષ્ટિ એટલે પ્રેમથી સ્નેહથી એકાગ્ર મનથી સતત ચિંતન કરતા પ્રભુને ભજવા તેમની સેવા કરવી. આ પુષ્ટિમાર્ગનો ધર્મ અથવા પ્રેમભકિ્ત કહેવાય.શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ ઘરે રહીને શ્રી ગોકુળનિવાસી શ્રીનાથજીની નિરંતર તન, મન, ધન અને હ્રદયની ભાવભરી લાગણીથી સેવા કરીને પ્રભુને રીઝવવા.આવી પ્રેમભકિ્ત દ્વારા જ ઈશ્વરની કૃપા આપણા પર ઉતરે છે અને સંસારના દરેક બંધનોથી આપણને છોડાવે છે.પુષ્ટિધર્મના ઈષ્ટદેવ શ્રીનાથજી છે.શ્રીનાથજી જ સર્વસ્વ છે.તેમની કૃપા વગર જીવન અસાધ્ય અને અપૂર્ણ રહે છે.જ્યારે મનુષ્યના હ્રદયમાં પુષ્ટિભાવ સિદ્ધ થઈ જાય છે ત્યારે તે પરમ ભગવદીય વૈષ્ણવ બની જાય છે જીવનમાં બીજાને સુખ આપવાના ધ્યેયને જ પોતાનું સુખ માને છે.પરમાર્થ જ તેનો પોતાનો સ્વાર્થ હોય છે.પુષ્ટિધર્મમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવાની ભાવના મુખ્ય હોય છે.તે જ સાચો પુષ્ટિમાર્ગ કહેવાય છે.શ્રી મહાપ્રભુજીએ ધર્મના પ્રચાર માટે પગપાળા ચાલીને આખા ભારતની યાત્રા કરી અને જે કોઈ સ્થળે આપશ્રીએ વિશ્રામ કર્યો એ સ્થળ આજે શ્રીમહાપ્રભુજીના બેઠકજી તરીકે ઓળખાય છે.આપશ્રીના આવા ૮૪ બેઠકજી છે.
એક વખત જ્યારે આપશ્રી ગોકુળમાં બિરાજતા હતા ત્યારે શ્રીનાથજી ત્યાં પધાર્યા અને કહ્યું તમો પુષ્ટિમાગીર્ય વૈષ્ણવોનો સબંધ મારી સાથે કરાવી આપો.એટલે કે બ્રહ્મસબંધ ના મંત્રથી જીવોને મારા શરણમાં લઈ આવો.આવા શરણે આવેલા જીવોનો હું ઉદ્ધાર કરીશ. તેમજ તેમની કોઈ જ અવગતિ નહીં થવા દઉં. આ આજ્ઞા મુજબ શ્રી મહાપ્રભુજીએ બહ્મસબંધની શરૂઆત કરી અને ઘણાં જીવોને આપશ્રીએ શ્રીનાથજી સન્મુખ મંત્ર બોલાવીને તુલસીની કંઠી પહેરાવીને તેમની શરણમાં લીધાં.આ બ્રહ્મસબંધની વિધિ ફક્ત્ શ્રી વલ્લભ કુળના પરિવારો જ કરી શકે છે.