અન્નકૂટ - ગોવર્ધનપૂજા
આજથી સંવત્સર પ્રારંભ [નવું વર્ષ] થાય છે.પુષ્ટિમાં કારતક સુદ પડવાના દિવસે ગોવર્ધનપૂજા અને અન્નકૂટોત્સવ થાય છે.ઈન્દ્રયાગભંગ કરવા માટે સવારે લગભગ નવ વાગ્યા પછી મંદિરના ચોકમાં શણગારેલી ગાયો અને ગોવાળો ગોવર્ધનપૂજા સમયે હાજર થાય છે.અને સજસી ઠાઠથી [ગોબરથી ભાવાત્મક રીતે કરેલાં] ગોવર્ધનનું પૂજન થાય છે.ગોબરના શ્રી ગિરિરાજજી સિદ્ધ કરાય છે.ઉત્તરદિશા તરફ તેમનું મુખ અને દક્ષિણ દિશા તરફ તેમનું પુચ્છ રાખવામાં આવે છે.તેના ઉપર કળેટની, મધુ માલતીની તથા ઓઘેડાની ડાળ, કેળનાં પત્તા, કનાસ અને ધ્વજા રોપાય છે.પશ્ચિમ બાજુએ શ્રી ગિરિરાજમાં એક ગોખ શ્રી ગિરિરાજજીને પધરાવવા માટે કરવામાં આવે છે.શ્રી ગિરિરાજજી પાસે શ્રી ઠાકોરજીને પધરાવી બીડી આરોગાવાય છે.ગોબરના શ્રી ગિરિરાજમાં બનાવેલ ગોખલામાં લાલવસ્ત્ર પાથરી શ્રી ગિરિરાજજી પધરાવી દંડવત કરાય છે.દૂધ, દહીં અને જલથી શ્રી ગિરિરાજજીને સ્નાન કરાવી, અંગવસ્ત્ર કરી, પિતાંબર ઓઢાડી, માળા ધરાવી, કંકુનું તિલક થાય છે.ગોબરના શ્રી ગિરિરાજજીને એક ઉપરણોં ઓઢાડી, કંકુ છાંટી,હળદર-કંકુ, અરગજાના થાપા લગાવી કુનવારો ભોગ ધરાય છે.સમય થયે ભોગ સરાવ્યા પછી શ્રી ગિરિરાજજીને શ્રી ઠાકોરજી પાસે પધરાવાય છે.ત્યાર બાદ વ્રજભક્તો ની અનેકવિધ સામગ્રીનો ભોગ જેને ‘અન્નકૂટ’ કહે છે તેમાં સખડી અને અનસખડી, દૂધઘર, નાગરી, લીલો અને સૂકો મેવો ઈત્યાદિ સામગ્રી ધરાય છે.સાથે યમુના જળની ઝારી અને પાનબીડાં ભાવનાથી ધરાય છે.જે પ્રભુ આરોગે છે.તે દિવસે લાલ જરીના ગોકર્ણ, સફેદ જરીના વસ્ત્રો, લાલ સુથન, અને લાલ બે પટકા, મસ્તકે પાંચ ચંદ્રિકાની સાદી જોડ ધરાય છે.આ બધું ભાવાત્મક છે. અને સાતે ઘરની પ્રણાલિ મુજબ જુદી રીત અને ભાવનાઓ છે.વૈષ્ણવોએ ઉત્સવનો દિવસ ભૂલવો નહીં કારણકે પ્રભુ બાળક છે તેથી ઉત્સવની રાહ જુએ છે.તેથી વૈષ્ણવોએ પણ કિશોરભાવનો લોપ ન કરવો ને ઉત્સવ યોજવા.ઉત્સવો હૃદયની સ્વયંસ્ફૂરણા છે.તેથી દેહ અને આત્માને અલૌકિક આનંદ થાય છે.અન્નકૂટોત્સવ અને ગિરિરાજપૂજનની પ્રથા અને ભાવનામાં મુખ્ય કારણ ઈન્દ્રના મદનું ખંડન કરવાનું હતું.શ્રી ગિરિરાજજી [ભોતિક દ્દષ્ટિએ સ્થૂળ શિલારૂપ જણાતા શ્રી ગિરિરાજ પોતાના ભક્તોમાં પરમ શ્રેષ્ઠ છે.]નો આદર ઈન્દ્ર કરતાં ઊંચો કરાવવા ઈન્દ્રપૂજા બંધ કરાવીને શ્રી ગિરિરાજની પૂજા પ્રભુએ કરાવી અને દર વર્ષે કારતક સુદ એકમે સવારે પ્રથમ શ્રી ગિરિરાજપૂજન કરી પછી અન્નકૂટ ધરાવવાની એ પ્રથા - પ્રણાલિકા પ્રચલિત છે.