અક્ષયતૃતીયા - ચંદનયાત્રા

વૈશાખ સુદ ત્રીજને ‘અક્ષયતૃતીયા-અખાત્રીજ’ કહે છે.આ તિથિનો કોઈ દિવસ ક્ષય નથી.ત્રેતાયુગની તિથિ છે.શ્રી પરશુરામજયંતિ છે.આજથી ચંદનયાત્રા શરૂ થાય છે.ભક્તે પોતાના ઘરે પ્રભુને પધરાવી , યુગલ સ્વરૂપને પધરાવી પોતાની વિરહાગ્નિ પ્રભુને નિવેદન કરી અનેક પ્રકારની શીતલ સામગ્રી, ચંદન, અરગજા, કેસર, કસ્તુરી, બરાસ, ગુલાબ, સુગંધી અત્તર, ફૂલેલ આદિ સારી વસ્તુ અંગિકાર કરાવી દર્શન કરી શીતળતા અનુભવે છે.શ્રી ઠાકોરજી અક્ષયલીલા આસક્ત છે.અખંડલીલા સિવાય બીજુ કાંઈ જાણતા નથી.આ દિવસે ચંદન તથા શ્વેત વસ્ત્રો ધરાવાય છે.તેનો ભાવ એવો છે કે ઉનાળાની ૠતુમાં અધિક તાપ હોય તેમ શ્રી સ્વામિનીજીના સંયોગમાં ક્ષણેક વિરહ વિભ્રમ થાયતેની નિવૃત્તિ માટે તેના ભાવરૂપ તથા શ્રી સ્વામિનીજીના કુંકુમાદ્યરૂપ જે ચંદન તેનો બધા અંગે લેપ કરી તાપની નિવૃત્તિ કરે છે.ચંદનના કટોરામાં પાંચ વસ્તુ આવે છે ચંદન, કેસર, કસ્તુરી, કપૂર અને ચોખા.તેનો ભાવ એવો છે કે ચંદન શ્રી ચંદ્રાવલીજીના સ્વરૂપનો રંગ છે.કેસર મુખ્ય શ્રી સ્વામિનીજીના સ્વરૂપનો રંગ છે.કપૂર અન્યપૂર્વાના યુથાધિપતિ શ્રી લલિતાજીના સ્વરૂપનો રંગ છે અને ચોવા સમસ્ત ભક્તોના ઠાકોરજી વિષે સ્નિગ્ધ ભાવ છે. તેનો આપ અંગિકાર કરો છો.તથા કસ્તુરી આપશ્રીનો રંગ છે અને શ્વેત વસ્ત્ર છે તે અત્યંત શીતલ છે તેમ જ ગ્રીષ્મૠતુમાં સુખાકારી છે તેથી આપે અંગિકાર કર્યા છે.કંકુ અને ચંદન શ્રીપ્રિયાજી પોતાના પ્રાણનાથને અંગિકાર કરાવે છે.એના ભાવથી આપણા કંકુ અને ચંદન અંગિકાર કરે છે.તે ધરાવેલ કંકુમાં શ્રી સ્વામિનીજીનો અસાધારણ ધર્મ છે.પણ ચંદન તો કપાળે અને છાતીએ લગાડવું જોઈએ. તે આપણા માનસમા આપણે સખી ભાવનું રૂપ ધ્યાનમાં લેવું.કંકુ અને ચંદન વિપ્રયોગનું દુઃખ હૃદયમાં હોય તેને શાંતિ આપે છે.પુષ્ટિસેવા પ્રથા મુજબ પ્રભુને તે દિવસે કુલેહજોડ અને મકરાકૃત કુંડળના શૃંગાર ધરાય.એ કુલેહ વિહાર બંધની ભાવના હોવાથી સંયોગલીલાના દર્શન છે.મકરાકૃત કુંડળનો ભાવ એ છે કે કામદેવના મદને પરાજિત કરી તેના પરિણામે શ્રી સ્વામિનીજીના ચરણોંમાં રહેવા અભયદાન અને આશીર્વાદ મેળવ્યા.એ રીતે સદોદીત આધિદૈવિક કામદેવનું નિવાસસ્થાન શ્રીસ્વામિનીજીનાં ચરણકમળોમાં જ છે.પ્રભુએ જ્યારે એ ચરણકમળોમાં મસ્તક નમાવ્યું ત્યારે એ બન્નેએ ચરણોં દ્વારા મકરાકૃત કુંડળ રૂપે આધિદૈવિક બનેલા કામને પ્રભુના કર્ણો પર સ્થાન મળ્યું.એટલે બહાર અને આંતરલીલાએ બન્ને રહસ્યાત્મક લીલાનો તેણે કર્ણો પર રહીને અનુભવ કર્યો છે.

અખાત્રીજે પ્રભુને ચંદન ધરાય ત્યારે કૃષ્ણદાસકૃત કિર્તન થાય છે -‘ અક્ષયતૃતીયા, અક્ષય લીલા નવરંગ ગિરિધર પરહત ચંદન.’ આ કિર્તનમાં પ્રભુની કિશોરલીલાનો ભાવ છે કે શ્રી ગુસાંઈજી ચંદન પ્રભુને ધરી રહ્યા હતા તે સમયે નિકુંજાદિકની રહસ્યલીલાના પ્રત્યક્ષ દર્શન કરી સારસ્વત કલ્પનો અનુભવ કરે છે.ઉપરાંત કૃષ્ણદાસ શ્રીનાથજીના મંદિરના અધિકારી તે લીલા મધ્યપતિ લીલા સખી લલિતાજી રૂપે છે.એટલે અખાત્રીજનો સંપૂર્ણ ભાવ આંતરદ્દષ્ટિએ નીરખેલો તે કિર્તનમાં પ્રગટ કર્યો છે કે નિકુંજમાં નિત્ય અખાત્રીજ છે અને નિત્ય અક્ષરવિહાર છે.આધિદૈવિક ચંદન સ્વામિનીજી સ્વરૂપાત્મક પ્રભુના શ્રીઅંગ પર ધરાય છે.ઉપરાંત શ્રી સ્વામિનીજી ચંદનરૂપી શ્રમજલથી નિત્ય અભિષેક કરે છે.કુંજ - નિકુંજોમાં પ્રિયા - પ્રિયતમ ગમનમ્ મધુરમ્ નૃત્યમ્ મધુરમ્ વગેરે વિહારલીલા કરે છે.તે કુંજોની લત્તા - પત્તા - વૃક્ષો પણ યુગલના શ્રમને દૂર કરવા ચંદનસૌરભની વર્ષા કરી અભિષેક કરે છે.ભૌતિક રીતે ચંદનને ગુલાબજળ સાથે ઘસી એ અતિશય શીતળ ચંદનનો લેપ અને ગોટીઓ કરીને પ્રભુના શ્રીઅંગે સિદ્ધ કરાય છે.એક સમયે ગોવિંદ સ્વામીએ ચંદનલેપ દર્શન કર્યા ત્યારે પ્રભુમસ્તકે કનક ટિપારો ધર્યો હતો.તેથી ગોવિંદસ્વામી એ અનુસાર કિર્તન બોલ્યા કે , ‘ અક્ષયતૃતીય ગિરિધર બૈઠે ચંદનકો તન લેપ કીયો, કનકવર્ણ શિર બન્યો ટિપારો ઠાડે હૈ કરકમલ લીયો.’ તેનો ભાવ એ છે કે અખાત્રીજે અક્ષયલીલાવિહાર સૂચક ટિપારાના શૃંગાર ધરાય છે.કનક એટલે સુવર્ણ એ તો શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે તો ટિપારો પણ કુલેહબંધની જેમ એક રસાત્મક બંધ છે.અખાત્રીજથી શ્રીઅંગને ફૂલના શણગાર અને ફૂલની મોટી જોડ રથયાત્રા સુધી શયન સમયે ધરાય છે.તે દિવસે ચંદનપંખા કરવા.કુંજા વગેરેનું મંદિરોમાં અધિવાસન થયા બાદ પ્રભુને રાજભોગ સમયે ચંદન ધરાય અને ત્યાર પછી શીતળભોગની છાબ ધરાય સાથે સથવાની સામગ્રી પણ ઓસરાથી આવે.અક્ષયતૃતીયાનો દિવસ લગ્નતિથિ માટે પણ ઉત્તમ ગણાય છે.પરંતુ અખાત્રીજે તો લગ્ન બાદ આલંબન ભાવનાપુષ્ટિ રીતે હોવાથી અૈક્યનું અનુસંધાન છે.જેમકે બન્ને સ્વરૂપ વચ્ચે અવરોધ ન હોય.હ્ય તેનું નામ લગ્ન અને ઐક્યના પ્રત્યક્ષ દર્શનનો શુભ દિવસ તે અક્ષયતૃતીયાનો છે.હ્ય્
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.