પુષ્ટિમાગીર્ય મંગલાષ્ટક
સદા વદો સૌ શ્રીકૃષ્ણ શરણં મમ્, વલ્લભવરની આજ્ઞા એ કહેવાય જો ।
સાધન તેમજ ફળ પણ તેને જાણવું, ઈહ પરલોકે ચિંતારહિત થવાય જો ।। સદા.
જે ગુરૂવરના ચરણકમળની રેણુઓ, નિજજનોની સૌ ચિંતા હણનાર જો ।
એવા પરમ કૃપાળુ નિજ આચાર્યને, કરૂં હું પ્રેમે વંદન વારંવાર જો ।। સદા.
જેના અનુગ્રહથી સંસારી જીવ સૌ, સર્વ દુઃખોનો સહેજે પામે પાર જો ।
એવા પરમ દયાળુ વલ્લભલાલને, સદાય સ્નેહે વંદુ વારંવાર જો ।। સદા.
સ્વામી મારા એક જ નંદકુમાર જો, વૃષભાનુજા સ્વામિની કહેવાય જો।
યુગલસ્વરૂપે શ્રી વલ્લભને સેવતાં, પુરૂષોત્તમ લીલાના દર્શન થાય જો।। સદા.
સેવા કરવી સ્નેહ સહિત શ્રીકૃષ્ણની, ભૂતળ ઉપર જ્યાં સુધી રહેવાય જો।
ભોગ, પ્રતિષ્ઠા કે ફળને માટે નહિ, દાસપણાના સબંધે સેવાય જો।। સદા.
નિર્મલ ભાવ જ નિત્ય પ્રભુમાં સ્થાપવો, ચતુરાઈની જેમાં નહિ જરૂર જો ।
મનોભાવ તો સૌનો જાણે શ્રી હરિ, અંતર્યામીના રૂપે જે નથી દૂર જો ।। સદા.
અવિશ્વાસ કદી પ્રભુમાં કરવો નહિ, પુષ્ટિમાર્ગમાં બાધક તે કહેવાય જો ।
ચાતક કે બ્રહ્માસ્ત્રનો ભાવ વિચારવો, પ્રાપ્ત પદાર્થ નિર્મમ થઈ સેવાય જો ।। સદા.
નિવેદનનું સ્મરણ તો કરવું સદા, ભગવદીય તાદ્દશીજનની સાથે જો ।
સર્વેશ્વરને સર્વના જે આતમા, નિજેચ્છાથી વરણ કરશે નાથ જો ।। સદા.