વામનદ્વાદશી
ભાદરવા સુદ બારસ વામનદ્વાદશી કહેવાય છે.આ દિવસે પુષ્ટિમંદિરોમાં બપોરના બાર વાગે રાજભોગ સરી ગયા બાદ જન્મ સમયે શાલિગ્રામજીને પંચામૃત સ્નાન થાય છે.રસદાન અને પરકીયાના મનોરથ પૂર્ણ કરવાની ભાવનાથી શ્રી મસ્તકે કિરિટમુકુટ અને કેસરી ધોતીઉપરણાં તથા મત્સ્યાકૃતિ કુંડળ ધરાવાય છે.તેમ જ બ્રાહ્મણ સ્વરૂપે પધાર્યા એટલે તે દિવસે સોનાની અને મોતીની એમ બે જનોઈ ધરાવાય છે.મર્યાદા રીતે વામન અવતાર ત્રેતાયુગમાં બલિરાજા નામનો ભક્ત્ હતો.તે નિત્ય જપ,સ્તોત્રો નો પાઠ તથા યજ્ઞો કરતો હતો.બલિરાજાએ ઈન્દ્ર સાથે યુદ્ધ કરી સ્વર્ગલોક અને મૃત્યુલોક જીતી લીધાં હતાં.બલિરાજાના કોપથી બચવા બધા દેવતાઓએ સ્તુતિ કરી તેથી પ્રભુએ વામન અવતાર ધારણ કરવો પડ્યો.બટુક રૂપ ધારણ કરી, બલિને વચનમાં બાંધી દીધો.વચનમાં બલિ પાસે ત્રણ પગલાં પૃથ્વી માંગીને કહ્યું,‘ તે આપવાથી ત્રણ જગત આપવાનું પુણ્ય મળે છે.’ એટલે બલિએ વચન આપવાનું કબૂલ કર્યું કે તરત જ બટુક રૂપ વધવા લાગ્યું.પગ પાતાળમાં રહ્યા, ઘૂંટણ પૃથ્વી પર રહ્યા, કેડ સ્વર્ગમાં રહી, મર્હલોકમાં પેટ રહ્યું, જનલોકમાં હૃદય રહ્યું, તપલોકમાં કંઠ રહ્યો, સત્યલોકમાં મુખ અને મસ્તક રહ્યાં.એ રીતે બટુકરૂપ વધી ગયું ત્યારે સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, ઈન્દ્ર, શેષ વગેરે દેવતાઓએ પ્રસન્ન થઈ સ્તુતિ કરી.પ્રભુએ એક પગલાથી આખી પૃથ્વી લઈ લીધી, બીજા પગલાથી સ્વર્ગ પણ લઈ લીધું અને ત્રીજું પગલું મુકવા માટેકંઈ પણ ન બચતાં વચનની મર્યાદામાં બંધાયેલ બલિરાજાએ પોતાનું મસ્તક આપ્યું, એટલે તેની ઉપર પગ મૂકી બટુકજી[વામનજી]એ ભક્ત્ બલિરાજાને પાતાળમાં ઉતારી દીધાં.છતાં ભક્ત્ બલિએ પોતાની મર્યાદા છોડી નહીં. તેથી પ્રસન્ન થઈ ભાદરવા સુદ બારસે બટુક સ્વરૂપ બલિ પાસે રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષનાગ પર પોઢે છે.તથા કારતક સુદી એકાદશી આવે ત્યાં સુધી ત્યાં બિરાજે છે.