શ્રી ગુંસાઈજી વિદ્યાભ્યાસ
એક દિવસ અડેલમાં શ્રી વિઠ્ઠલેશ શ્રી યમુનાજીમાં સ્નાન કરતા હતા.સ્નાન કરતા તેમને યમુનાજળમાં શ્રી યમુના મહારાણીના દિવ્ય દર્શન થયા.તે સાથે તેમના મુખ માંથી ‘શ્રી યમુનાષ્ટપદી’ નામનું સ્તોત્ર ગવાવા માડયું.નાની ઉમરમાં આવા સુંદર સ્તોત્રની રચના કરી તે જાણી શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા.એક વખત શ્રી વિઠ્ઠલેશ વ્રજમાં શ્રી મહાપ્રભુજી સાથે ગયા હતા.સવારે શ્રી યમુનાસ્નાન કરી પાછા આવતા એકાએક તેમના મુખમાંથી સંસ્કૃત ભાષામાં સુંદર કિર્તન ‘વ્રજરાજ વિરાજિત ઘોષવરે, વરણીય મનોહર રૂપ ધરે’ ગવાવા લાગ્યું.મુકામ પર આવી તેમણે શ્રી મહાપ્રભુજીને આ કિર્તન સંભળાવ્યું.શ્રી મહાપ્રભુજી ઘણાં પ્રસન્ન થયા.
એક વખત શ્રી મહાપ્રભજી ‘તત્વાર્થદીપ નિબંધ’ નામનો ગ્રંથ લખતા હતા.તે વખતે શ્રી વિઠ્ઠલેશે કહ્યું, તમે બ્રહ્મસૂત્ર પર ભાષ્ય રચ્યું છે, શ્રી ભાગવતજી પર ટીકા લખી છે તો શ્રી ગીતાજી પર પર પણ ભાષ્ય રચોને! જવાબમાં શ્રી મહાપ્રભુજી એ કહ્યું, ગીતામાં ભગવાને કહેલા ૫૭૪ વાક્યો છે તે બધા છે તે બધા ભગવદ્ વાક્યો આપણા માટે પ્રમાણ છે.તેનો અર્થ અને રહસ્ય બહુ સરળ છે.તેથી ગીતાજી પર ભાષ્ય રચવા માટે મને આવશ્યકતા લાગતી નથી.છતા તેનો સાર મેં આ ગ્રંથના શાસ્ત્રાર્થ પ્રકરણમાં લખ્યો છે.પરંતુ તમે ગીતાજી ઉપર અવશ્ય ગ્રંથ લખો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સ્વીકારી શ્રી વિઠ્ઠલેશે ગીતાજી વિશે ચાર ગ્રંથો સંસ્કૃતમાં લખ્યાં.(૧) ગીતાજીના પહેલા અધ્યાયની ટીકા (૨) ગીતા તાત્પર્ય (૩) ગીતાહેતુ (૪) ન્યાસાદેશવિવૃત્તિ.
શ્રી વિઠ્ઠલેશને બાળપણથી જ નૃત્ય, સંગીત, ચિત્ર વગેરે કલાઓનો ભારે શોખ હતો. તેઓ નાનપણમાં પોતાના મિત્રો પાસે શ્રીકૃષ્ણની રાસલીલાનું નાટક અને નૃત્ય કરાવતા.શ્રી ઠાકોરજીની લીલાઓમાં તેમને ખુબ જ પ્રેમ હતો.તેઓ પોતે સંસ્કૃતમાં અને વ્રજભાષામાં સુંદર કીર્તન રચતા અને ગાતા.તેમનો કંઠ મધુર હતો.તેમને વીણાવાદનનો ઘણો શોખ હતો.રોજ સવારે શ્રી ઠાકોરજી જાગે અને રાતે પોઢે ત્યારે તેઓ અચૂક વીણા વગાડતા.વીણા વગાડતા તેમના હાથની આંગળીઓ ખરબચડી થઈ ગઈ હતી.તે જોઈ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરીઃ શ્રી ઠાકોરજી ઘણા કોમળ છે.આવી આંગળીઓથી પ્રભુને સ્પર્શ કરીએ તો તેમને કષ્ટ થાય. આ સાંભળી શ્રી વિઠ્ઠલેશે નક્કી કર્યું કે આજથી હું વીણા નહીં વગાડું.
એક વખત શ્રી વિઠ્ઠલેશે શ્રી ઠાકોરજીને ધરેલા પ્રસાદી ચંદનમાંથી શ્રી બાલકૃષ્ણલાલજીનું અદભૂત સ્વરૂપ બનાવ્યું હતું. અદભૂત સ્વરૂપના દર્શન કરી તેમણે તે સ્વરૂપનું નામ ‘અદભૂત રાયજી’ પાડ્યું હતું.એવી જ રીતે એક વખત ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીની ભીની રેતીમાંથી શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ સિદ્ધ કર્યું હતું.સવારે ઊઠીને દર્શન કરવા તેમણે કાગળ ઉપર શ્રી નવનીતપ્રિયાજીનું ચિત્ર બનાવ્યું હતું.
શ્રી મહાપ્રભુજી નિત્યલીલામાં પધાર્યા ત્યારે તેમની ઉમર ૧૫ વર્ષની હતી.સેવાનો પ્રકાર શીખવા માટે માતાજીની આજ્ઞાથી તેઓ દામોદરદાસ હરસાનીજી પાસે જતા.તેમની પાસે નિત્ય નો ઉત્સવોનો સેવાપ્રકાર તથા તેની ભાવભાવના અને લીલાભાવના શીખ્યા હતા.
આગ્રામાં કનૈયાલાલ ક્ષત્રીય નામના શ્રી મહાપ્રભુજીના સેવક હતા.તેમની પાસે શ્રી મહાપ્રભુજીના બધા ગ્રંથો હતા તેમની પાસે જઈ બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો અને તે ગ્રંથો મેળવ્યા.શ્રી મહાપ્રભુજીના સેવકો પાસેથી તેમણે પુષ્ટિમાર્ગની ઘણી જાણકારી મેળવી.