શ્રી યમુનાજી ચિત્રજી
પૃષ્ટિમાર્ગમાં બે મૈયા પ્રસિધ્ધ છે. એક યશોદામૈયા અને બીજા શ્રી યમુનામૈયા. શ્રી યશોદામૈયા ભગવાન શ્રી કૃષ્ણના મૈયા છે તો શ્રી યમુનાજી ભક્તોના મૈયા છે. સખ્ય ભાવવાળા ભક્તોના હ્રદયમાં શ્રીયમુનાજી, શ્રી મહારાણીજી અને શ્રી પ્રભુના ચર્તુથ પ્રિયાના ભાવાત્મક સ્વરૂપે બિરાજે છે. શ્રી પ્રભુએ પોતાના જ હ્રદયમાંથી પોતાના સ્ત્રી ભાવનું બીજું સ્વરૂપ પ્રગટ કર્યુ, તે શ્રીયમુનાજી. અને શ્રીયમુનાજીને આજ્ઞા કરી કે," હે યમુને, હું ગોલોકધામ પ્રગટ કરું છું. તેમાં ગિરિ ગોવર્ઘનની તળેટીમાં તમે દ્રવીભૂત સ્વરૂપે સદા બિરાજો. આપના તટપ્રદેશ પર હું લીલાવિહાર કરીશ." આનંદમય શુઘ્ઘ સત્વ સ્વરૂપ સૂર્યમંડળ ની અંદર શ્રી નારાયણના હ્રદયમાંથી દ્રવીભૂત રસાત્મા શ્રી યમુનાજી પ્રગટ થયા છે.

અલૌકિક રવિમંડળમાંથી શ્રી યમુનાજી સરિતા રૂપે હિમાલયના કલિંદ નામના શિખર પર પધારી પૃથ્વી ઉપર પુષ્ટિભાવની સધ્ધિ માટે ભારતની ભૂમિને પાવન કરવા વજ્રમંડળમાં પધાર્યા છે. શ્રી યમુનાજીના પાવન તટ ઉપર મથુરામાં વિશ્રામઘાટ, વલ્લભઘાટ અને ગોકુળમાં ગોવિંદઘાટ, ઠકુરાણીઘાટ, આદીઘાટ આવેલા છે. પૃષ્ટિમાર્ગમાં શ્રીયમુનાજી પ્રાગટ્ય ચૈત્ર સુદ છઠના દિવસે મનાય છે. કૃષ્ણ નામની જેમ યમુના નામ પણ તેમના રૂપ, ગુણ, અને લીલાને અને લીલાને પ્રગટ કરનારૂં છે.

યમુના શબ્દ બે શબ્દનો બનેલો છે યમ્ + ઉના. યમ એટલે યમદેવ. ઉના એટલે ઓછું અથવા ન્યૂન. અહીં ન્યૂન શબ્દ નાના ના અર્થમાં છે. યમદેવથી વયમાં નાના તે યમુના. યમુના શબ્દનો બીજો અર્થ તેમના ગુણ અને લીલા સૂચવે છે. સંસ્કૃતમાં 'યમ' ઘાતુનો અર્થ છે મેળવો, આપવું, નજીક લઈ જવું. શ્રી ભગવદીય જીવોને પ્રભુની નજીક લઈ જઈને મેળવી આપે છે.

શ્રી યમુનાજીના પિતાજી સૂર્યનારાયણ અને સંજ્ઞાદેવી એમના માતાજી. યમરાજ ઘર્મરાજ તેમના મોટાભાઈ. સાક્ષાત પૂર્ણપુરુષોત્મ તેમના સ્વામી. જે જીવો શ્રી યમુનાજીની વિઘિપૂર્વક સેવા કરે છે તેઓને શ્રી યમુનાજી પોતાના બનાવે છે. શ્રી યમુનાજી પ્રત્યેક જીવોના અનુરાગથી પ્રસ્સન થઈ પ્રભુ પણ આ જીવો સ્નેહ કરવા લાગે છે. પ્રભુના ભાવાત્મક સ્વરૂપ રસનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી જ થાય છે. દરરોજ નિયમપૂર્વક આંનદથી અને ભાવથી શ્રી યમુનાષ્ટક અને શ્રી યમુનાજીના ૪૧ પદોના પાઠ શ્રી ઠકુરાણી ઘાટ પર બેઠા છીએ એવી ભાવના સાથે શ્રી યમુનાજીના સ્વરૂપં ચિંતન કરતા કરવા. શ્રી યમુનાજીના જળના પાનથી આપણા દેહ, ઈન્દ્રીય, પ્રાણ આદિ સર્વને પ્રભુના સાક્ષાત અંગરસનું અલૌકિક સુખ મળે છે. કારતક સુદ બીજ એટલે ભાઈબીજ. ચૈત્ર સુદ છઠ એેટલે શ્રી યમુનાજીનો ઉત્સવ. ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ એટલે ચૈત્રી નવરાત્ર અને ગણગોર તથા આસો સુદ એકમથી આસો સુદ નોમ એટલે નવરાત્રિ. આ દિવસોમાં જેટલા બને એટલા શ્રી યમુનાષ્ટકના પાઠ કરવા.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.