વૈષ્ણવો માટે નવધા ભકિ્તનું નવું સ્વરૂપ
શ્રીમદ્ ભાગવત અને શ્રી વલ્લભ દ્વારા પ્રકાશિત પુષ્ટિમાર્ગી ગ્રંથો ઉપરાંત કોઈપણ સ્વરૂપે થતું ભગવત્જ્ઞાન સાંભળવું એ શ્રવણભક્તિ છે.
શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્ ભગવદ્ ગીતા, પુષ્ટિસંપ્રદાયને લગતા ગ્રંથો સંસ્કૃત તથા લોકભાષામાં રચાયેલા સ્તોત્રોનો પાઠ, શરણમંત્ર અને ભગવદ્ નામ ઉચ્ચારણ આ બધું કિર્તનભક્તિ છે.
મંત્રજાપ કરતી વેળા ભગવાન શ્રીકૃષ્ણે વૃંદાવનમાં અને વ્રજભૂમિમાં કરેલી બાળલીલાઓ અને વ્રજવાસીઓનું સ્મરણ કરવું એ સ્મરણભક્તિ છે.
ભગવાનનું સેવામંદિર સોહદતીથી સાફ કરવું, વાગા વસ્ત્ર દેવસેવાના વાસણ પૂજાપાત્ર ઈત્યાદિ ધોવાં વગેરે જેવી મંગળાથી શયન સુધીની પુરી સેવા એ પાદસેવનભક્તિ છે.
પંચામૃતસ્નાન, અધિવાસન, સંકલ્પ તથા ઉત્સવના દિને થનારા મંત્રોચ્ચારણ ઈત્યાદિ અર્ચનભક્તિ છે.
પુષ્ટિમાર્ગમાં દીનતા અર્થાત દૈન્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ આ દીનતામાં હીનપણાનો ગરીબડાપણાનો કે ઓશીયાળાપણાનો ભાવ જરાપણ નથી.આ વંદનભક્તિ છે.
પુષ્ટિમાર્ગી વૈષ્ણવરૂપે ભગવદ્ પ્રસાદ આરોગવો પ્રસાદી વસ્ત્ર ધારણ કરવાં, અન્યાશ્રય ન કરવો ભગવદ્ સેવાથી બચેલા કુમકુમથી ઉર્ધ્વચન્દ્ર તિલક કરવું એ દાસ્યભક્તિ છે.
શાસ્ત્રાદિથી પ્રેરિત થઈને નહીં પરંતુ સ્વતઃ પ્રેમભાવથી પ્રેરિત થઈને તન્સુખીત્વની ભાવનાથી ૠતુ ૠતુ અનુસાર બાલકૃષ્ણને અનુકૂળ આવે એવા વસ્ત્રો સાધનો ઈત્યાદિ ધરવા અને ઉત્તમ પદાર્થો પ્રભુની સેવામાં પધરાવવા એ સખ્યભક્તિ છે.
પુષ્ટિજીવી વૈષ્ણવ પોતાના દેહ, ઈન્દ્રીય, અંતઃકરણ તથા સ્ત્રી, પુત્ર, ગુરૂ, આપ્તજન ધનસંપત્તિ આદિ્સર્વ આત્મા સહિત પ્રભુનાં ઉપયોગ માટે પ્રભુની સેવાલાયક બનાવી સમર્પિત કરે તો તે આત્મનિવેદનભક્તિ ગણાય.