વરૂથિની એકાદશી
શ્રીમદ વલ્લભાચાર્યજીનો જન્મદિવસ ‘ મહામહોત્સવ ’ રીતે પુષ્ટિમાં પ્રસિધ્ધ છે.મંદિરોમાં જન્માષ્ટમી જેવો ઉત્સવ મનાય છે.સવારે કેસરસ્નાન થાય, કુલેરજોડના ભારે શણગાર ધરાય અને પલના ઝુલે છે.ચૈત્રમાસને વરૂથિની એકાદશીએ જ પ્રગટ થવાનો ભાવ એવો છે કે સંસ્કૃતમાં ચૈત્રમાસનું નામ ‘માધવ માસ’ છે.‘મા’નો અર્થ પ્રભુની આધિદૈવિક લક્ષ્મી અને ‘ધવ’ એટલે લક્ષ્મીના પતિનો માસ છે.એટલે પોતાના જ માસમાં પ્રભુ પ્રગટ થાય તોજ દૈવી જીવોને લીલાની પ્રાપ્તિ થઈ શકે.આ એકાદશીને ‘વરૂથિની એકાદશી’ કહેવાય છે.કારણકે વરદાન આપનાર છે.એટલે દૈવી જીવોને પુષ્ટિ પુરૂષોત્તમની લીલાની પ્રાપ્તિ કરાવવા વરદાન આપનાર એકાદશી છે.બીજો ભાવ એ છે કે બ્રહ્મસબંધ મંત્ર પ્રગટ કરવાનો દિવસ પણ શ્રાવણ માસની શુક્લપક્ષની એકાદશીનો દિવસ.વરૂથિની વરદાન આપનાર તિથિ માની તે દિવસે પ્રગટ થયા છે.ઉપરાંત એકાદશી માસની અગિયારમી તિથિ છે એટલે શરીરની દસ ઈંદ્રીયો અને અગિયારમી મન રૂપી ઈન્દ્રીયને વશ કરી શ્રી આચાર્યજીનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરે તો પ્રભુની પ્રાપ્તિનો માર્ગ મળી શકે.લૌકિક ભોગમાં પડેલા જીવો શ્રી આચાર્યજીના આ સ્વરૂપ ને ઓળખી જ શકતા નથી.શ્રી પ્રભુએ ભૂતળ ઉપર પ્રગટ થઈ, નંદાલયમાં શુધ્ધ પુષ્ટિની લીલા અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી જ કરી છે.પછીની મથુરા અને દ્વારકાની લીલા મર્યાદાની છે.પરંતુ એ જ શ્રીકૃષ્ણ પ્રભુ મનુષ્યની આકૃતિથી તૈલંગ બ્રાહ્મણસ્વરૂપે આચાર્ય નામ ધારણ કરી અગિયારસને દિવસે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપે ભૂતળ પર પ્રગટ થયા છે.જેમ શ્રી પ્રભુએ નંદરાયજીને ત્યાં અગિયાર વર્ષ અને બાવન દિવસ બિરાજી શુધ્ધ પુષ્ટિ લીલા કરી તે જ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ પણ પૂરા બાવન વર્ષ ભૂતળમાં બિરાજી પુષ્ટિજીવોનો ઉદ્ધાર કર્યો. માટે જ શ્રી આચાર્યજીનું પ્રભુની લીલા સાથે એક સરખું સામ્ય છે.શ્રી આચાર્યજી વસંત ૠતુ ની સમાપ્તિમાં અને ગી્ષ્મની શરૂઆતમાં પ્રગટ થયા.એટલે બન્નેની વચમાં ત્રીજી વસ્તુ પેદા થાય તે માટે તૃતીયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે.આ પ્રકારે આપે પ્રગટ થઈ વસંતૠતુ રૂપી ઘીનું કામ કરી દૈવી જીવોને હૃદયમાં પ્રભુમિલનનો આધિદૈવિક અગ્નિ પ્રગટ કરવા ગ્રીષ્મના આરંભમાં આપશ્રી પ્રગટ થયાં હતાં.
ચૈત્ર વદ એટલે અંધારીયામાં એટલા માટે જ પ્રગટ થયા કે જે માયાના ઘોર અંધકારમાં પડેલા દૈવી જીવોના હૃદયમાં જ્યોતિના પ્રકાશથી અજવાળુ થાય.પ્રકાશમાં અજવાળુ કરવામાં આચાર્યની મહત્તા હોતી નથી પરંતુ અંધકારમાં પ્રકાશ કરે એ પ્રભુના અવતારરૂપે ગણાઈ શકે.એટલે જ શ્રી આચાર્યજી કૃષ્ણ પક્ષમાં પ્રગટ થયા છે.અને સદાસર્વદા આપશ્રી ૮૪ બેઠકોમાં યદ્યાપિ બિરાજમાન છો જ.દૈવીજીવોને આપના અલૌકિક દર્શનનો અલભ્ય લાભ પણ મળે જ છે.પરંતુ જીવોના અધિકાર પ્રમાણે અનુગ્રહ થાય.શ્રી મહાપ્રભુજી્ અને શ્રી ગુસાં ઈજી પ્રભુ મુખાવતાર છે.છતાં પણ વેદ અને વેદાંતના પ્રમાણે બધી જ ક્રિયાઓ કરવાનું એ કારણ છે કે જગતના જીવોને માગદર્શક થાય. એટલે એ રસ્તે દોરવા માટે જ આચાર્યો વૈદિક ક્રિયાઓ કરે છે.શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય સં.૧૫૩૫ શકે ૧૪૦ ચૈત્ર વદ એકાદશીને ગુરૂવારે ઘનિષ્ઠા નક્ષત્ર, શુભ યોગ, બવકરણ અને રાતની ગતઘડી ૬.૪૪ પળે વૃશ્રિક લગ્નમાં થયું.તે બાળક અત્યંત મનોહર શ્યામવર્ણ, તેજસ્વી અને વિશાળ લલાટવાળું અલૌકિક સ્વરૂપે હતું. બાદ લક્ષ્મણ ભટ્ટજીએ સર્વ સમૂહ સહિત પ્રાગટ્યોત્સવ ઉજવવા પ્રથમ મંગલ સ્નાનાદિક કરી નવીન વસ્ત્રો ધરીને તૈતરીય શાખાઓના મંત્રો ભણી સજાતીય વર્ગ સન્મુખ વિધિપૂર્વક જાતકર્માદિ સંસ્કારો કર્યા.તે પછી સાયંકાલે બાળકને લઈ ચોડાનગરમાં આવ્યા અને ત્યાં છઠ્ઠી તથા બરહીના પ્રસ્તાવો કરીને બાળકનું નામકરણ કરાવ્યું.પરંતુ એ બાળક સર્વને અત્યંત પ્રિય હોવાથી તેમનું નામ ‘શ્રી વલ્લભ’ રાખ્યું.જે નામ આજે જગપ્રસિધ્ધ છે.ભગવદ્ અવતાર નું રહસ્ય એ છે કે શ્રી વામનજીએ બ્રાહ્મણકુળમાં સતયુગમાં જન્મ લીધો અને બ્રાહ્મણોનો ઉધ્ધાર કર્યો.શ્રી રામચંદ્રજીએ ક્ષત્રીય કુળમાં ત્રેતાયુગમાં જન્મ લીધો અને ક્ષત્રીયોનો ઉધ્થાર કર્યો. શ્રી મહાપ્રભુજીએ તો જન્મથી પણ શુદ્ર હોય અને સ્ત્રીઓને શરણે લીધાં.અને સારસ્વત કલ્પની લીલા પૂરી કરવા આપશ્રીનો કળિયુગમાં પ્રાદુર્ભાવ થયો. આજના દિવસે બધા જ પુષ્ટિમાગીર્ય વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીના ચિત્રજીને તિલક કરવું.માળા ધરવી.દૂધઘર, મીસરી, સૂકો મેવો, ફળ - ભોગ ધરવા અને પછી આરતી કરવી. જો ગામ પાસે બેઠકજી બિરાજતા હોય તો ત્યાં જઈ ઝારીજી ભરવા અને ચરણ સ્પર્શ કરી ધોતી ઉપરણાં ધરવા.