મધુસ્ત્રવા

શ્રાવણ સુદ ત્રીજને ‘ઠકુરાણી ત્રીજ’ કહેવાય છે.શ્રી સ્વામિનીજી તથા શ્રી યમુનાજીનો મનોરથ છે.શ્રી ઠકુરાણીજી સાથે તેમની નિકુંજમાં અષ્ટપ્રહર હિંડોળામાં બિરાજી શ્રીઠકુરાણીજીના બધા મનોરથો સિદ્ધ કર્યા એ ભાવ છે.એટલે કે જેને કોઈની પણ ઉપમા ન આપી શકાય એવા શ્રી ગુસાંઈજીના નામોચ્ચાર માત્રથી પાવન થઈ જન્મ સફળ કરી જય પામે છે.તેની સાક્ષી રૂપે ચાર વેદ ૧] ૠગ્વેદ ૨] યજુર્વેદ ૩] સામવેદ ૪] અથર્વવેદ છે.શ્રીમદ ગોકુળમાં ઠકુરાણી ઘાટ છે.ત્યાં શ્રી સ્વામિનીજીની હદ રાવલથી ઠકુરાણી ઘાટ સુધીની છે અને શ્રી ઠાકોરજીની હદ મહાવનથી ગોવિંદ ઘાટ સુધીની છે.ત્યાં છોંકરનું [ખાખરાનું ]વૃક્ષ છે.તે બ્રહ્મા રૂપે છે ઠકુરાણી ઘાટના સ્થળે શ્રાવણ સુદ ત્રીજે યુગલ સ્વરૂપે હિંડોળે ઝુલે છે તેમાં મુખ્ય યમુનાજી ની ભાવના છે.તે દિવસે લાલ ચૂંદડીની પિંછવાઈ, બિછાના અને વસ્ત્ર ધરાય છે તથા ત્રણ વાર હિંડોળે પ્રભુ ભાવનાથી ઝુલે છે.[૧] નંદાલયમાં કાચના હિંડોળે [૨] ભીતર - સખીજનોના ભાવથી [૩] શ્રી યમુનાજીની કુંજમાં ઠકુરાણી ઘાટે યુગલ સ્વરૂપે ફૂલના હિંડોળે [રોશની માં] ઝુલે.હિંડોળાની પાછળ ‘સઘન કંદરા રેન નિવાસ કિયો પ્રિયપ્યારી’ એ ચિત્રની ભાવના થી પિંછવાઈ[બગીચામાં ઝુલે ત્યારે]અને ચોથે હિંડોળે બેટીજી કૃત ભાવભર્યો હિંડોળો ગવાય ‘ બના! તેરી બનરી ઝુલન આઈ.નવસન જાઈ બના! સારી સોરંગી સુનેરી લેંઘા [૨] ચોરી નવતન જાઈ બના!! મોતીની માંગ ભૃકુટી બીચ ટીકો.મૃગમદ લલાટે લગાઈ બના!! ’ આ પ્રમાણે શ્રી યમુનાજીના બધા મનોરથો ઠાકોરજીએ શ્રી ઠકુરાણીજી સાથે તેમની નિકુંજમાં અષ્ટપ્રહર હિંડોળામાં બિરાજી સિદ્ધ કર્યા હતા.એનો ભાવ એવો છે કે શ્રી ઠાકોરજીના પ્રિય વૃષભાનનંદિની તે જ શ્રી ઠકુરાણીજી.શ્રી યમુનાજી અત્યંત દયાળુ છે શ્રી ઠાકોરજીનું ગાઢમાન પણ શ્રી યમુનાજીએ જ છોડાવ્યું હતું.તે સમયની યાદમાં શ્રી યમુનાજીને મહારાણીજી કહ્યાં અને પ્રભુમાં અત્યંત આસક્તિવાળા તથા નિર્ગુણ ભક્ત્ હોવાથી પટરાણી પણ કહ્યાં.

પ્રથમ ભારતયાત્રા દરમ્યાન સંવત ૧૫૪૯ની શ્રાવણ સુદ ત્રીજના દિવસે શ્રી મહાપ્રભુજી ગોકુળ પધાર્યા તે વખતે તેમની ઉમર ૧૪ વર્ષની હતી.અહીં નિર્જન વન, પક્ષીઓનો કલરવ અને શ્રી યમુનાજળનાં ઉછળતા તરંગો સિવાયનો કોઈ સ્વર નહોતો. શ્રીમહાપ્રભુજીએ પોતાના અંતરંગ સેવક શ્રી દામોદરદાસને પૂછયું, અહીં ગોવિંદઘાટ કયો અને ઠકુરાણીઘાટ કયો?

એટલામાં જ શ્રી યમુનાજળમાંથી શ્રી યમુનાજી પ્રગટ થયા.મેઘશ્યામ વર્ણના અદભૂત રૂપ અને તેજથી્ યુક્ત શ્યામા પીળી ચૂંદડીનું સૂથન, લાલ - લીલી ચૂંદડીની કાછની, પીળી ચૂંદડીના પટકા, હિરા - માણેક જડિત મુગટ, મકરાકૃતિ કુંડળ, કંઠમાં હિરા - માણેક - પન્નાના હાર, મુખ પર મધુરતા, હોઠ પર હાસ્ય, અને નયનોમાં નેહ ભરી પ્રગટ થયાં.શ્રી મહાપ્રભુજીના અંગેઅંગમાં આનંદસાગર ઉમટ્યો.શ્રી યમુનાજીને બે હસ્તની અંજલિથી નમન કર્યું. હૃદયની ભાવભૂમિમાંથી ઉઠેલા દિવ્ય સ્પંદનોમાંથી ધીરગંભીર પૃથ્વી છંદ પ્રગટ્યો અનાયાસે અપલક નેત્રે નીરખતાં સ્તુતિગાન સરી પડ્યું.નમામિ યમુનામહં .. .... આવા રમણીય રૂપરાશિના દર્શનથી દામોદરદાસજી આદિ વિસ્મિત ભાવે હરખાયા. અપલક નેત્રે નયનાભિરામ શ્યામાને નીરખી રહ્યાં.શ્રી યમુનાજીના પગલે પગલે ગુલાબી કમળ પ્રગટ થઈને પદ્મપથ બનાવતાં હતા.શ્રી યમુનાજી પદ્મપથે પગ ધરતાં નજીક પધાર્યાં અને કહ્યું, આ ગોવિંદઘાટ અને આપની દક્ષિણ તરફ ઠકુરાણીઘાટ છે.

શ્રી આચાર્યજીએ કહ્યું કે, દમલા! હું થોડી વાર ઊભો રહ્યો તે શ્રી યમુનાજીથી સહન ન થયું એટલે પ્રગટ થઈ ગોવિંદઘાટ અને ઠકુરાણીઘાટ પોતે બતાવ્યો. શ્રી યમુનાજી ઉદાર છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.