જન્માષ્ટમી

‘નિઃસાધન ફલાત્માડયં પ્રાદુભૂતોસ્તિ ગોકુલે’ શ્રીમદાચાર્યચરણ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ સાધનહીન - નિઃસ્સાધન પુષ્ટિજીવોને પરમફળનું દાન કરવા જ શ્રી પુરૂષોત્તમ, શ્રી ગોકુળમાં પ્રગટ થયા છે.પુષ્ટિમાગીર્ય વૈષ્ણવો માટે સૌથી મહત્વનો આ ઉત્સવ છે.વૈષ્ણવને ત્યાં જ્યાં મંદિર હોય ત્યાં મંદિરના દ્વારે આસોપાલવના બંદનવાર તોરણ બંધાય છે.પહેલેથી શૃંગાર વગેરે સાફ કરીને તૈયાર રાખવા.તૂટેલા હોય તો સમારાવી તૈયાર કરી રાખવા.ચાંદીના ખિલૌના ઈત્યાદિ જે હોય તે સાફ કરી ચક્ચકિત કરી રાખવા.આખા વર્ષમાં જોઈતી ગુંજામાળાની જોડો નવી લાવી તૈયાર કરવી.નવી જ કુલ્હે, નવા કેસરી ચાકદાર વાગા, નવા કેસરી વસ્ત્રો તૈયાર કરી રાખવા.પુષ્ટિમંદિરોમાં જન્માષ્ટમીનો ઉત્સવ મહાઉત્સવ તરીકે ગણાય છે.આ દિવસે વહેલી સવારમાં શ્રી પ્રભુને પંચામૃત સ્નાન થાય છે.અને શૃંગારના દર્શનમાં તિલક, અક્ષત અને આરતી ઉતરે તે માર્કંડ પૂજાની ભાવનાથી થાય છે.શ્રી ઠાકોરજીને જગાડવા, જાગે કે તરતજ ઝાંઝ પખાવજ સાથે વધાઈ ગવાય ‘ વ્રજ ભયો મહરિ કે પુત ’.

રાતના બાર વાગે જન્મ સમયે શાલિગ્રામને પંચામૃત[ પૃથ્વીના પાંચ અમૃત] સ્નાન કરાવ્યા બાદ શીતળભોગ આવે.ત્યાર બાદ આઠમાસાનો ભોગ [મહાભોગ] આરોગવા પધારે છે.જન્માષ્ટમીની રાત્રિએ શૈય્યાજી બિછાવાતા નથી કારણકે આહિરોમાં એ રીત છે કે જન્મદિને ‘રાત્રિજગો’ માં જેનો જન્મદિવસ હોય તેને જગાડવાના હોય છે.તેથી જન્મદિવસે ‘ રાત્રિજગો ’ થાય માટે શૈય્યાજી બિછાવાતા નથી.જન્માષ્ટમીએ શૈયાભોગ અને રાત્રિનાં બીડાં સિંહાસન પાસે રહે છે.તે દિવસે બુધવાર - રોહિણી નક્ષત્ર હોય તો તે દિવસ અતિ ઉત્તમ છે.પુષ્ટિમાં પ્રભુસેવા, સ્મરણ, સાનિધ્ય, એજ વ્રત, તપ,જપ, નિયમ કહેવાય છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.