નવરાત્રિ

આસો સુદ પડવો - નવરાત્રિ - નવવિલાસ કહેવાય છે.[અંકુરરોપણ કરાય છે.] આસો સુદ એકમથી આસો સુદ દશમ સુધી નવવિલાસનું વ્રત પ્રભુ મિલન માટે વ્રજાંગનાઓની લીલા છે.દેવીપૂજનના બહાને પ્રભુનો મિલાપ વ્રજભક્તોએ કર્યો છે.નવ ભક્તોએ સામગ્રી વગેરે અનેક રમણલીલાના મનોરથો કરી પ્રભુને પધરાવી વ્રજભક્તોએ તન, મન અને ધનથી પ્રસન્ન કર્યા છે.આ ભાવનાને નવવિલાસ કહેવામાં આવે છે.સુદ એકમે માટીના દસ વાસણોમાં [ઘઉં, જવ, તલ, મગ] અનાજ નાખીને વવાય છે તેને ‘અંકુરારોપણ’ કહે છે.કારણકે પ્રતિ દિન નવીન અંકુરો ફૂટે છે.તેથી નવ દિવસ રાજભોગમાં એક નવી સામગ્રી ધરાવાય છે.પ્રભુવિરહમાં ઝૂરતાં શ્રી સ્વામિનીજીએ સખીજનો સાથે નવવિલાસ વ્રત આદર્યું તેથી એકમથી જવારા વાવ્યા અને પ્રભુ મિલનની આશામાં નાચગાન કરી દિવસો પસાર કરે છે.નવભક્તોને દસમાં નિર્ગુણ ભક્તના ભાવની આ લીલા છે.

૧] પ્રથમ વિલાસની ભાવનામાં સ્થળ નિકુંજ અને મુખ્ય સખી ચંદ્રાવલીજી છે.૨] બીજા વિલાસની ભાવનામાં સ્થળ સંકેતવિહાર અને મુખ્ય સખી મધ્યાજી છે.૩] ત્રીજા વિલાસની ભાવનામાં સ્થળ નિકુંજ મહેલ અને મુખ્ય સખી વિશાખાજી છે.૪] ચોથા વિલાસની ભાવનામાં સ્થળ પરાસોલી-વન વિહાર અને મુખ્ય સખી ચંદ્રભાગાજી છે.૫] પાંચમા વિલાસની ભાવનામાં સ્થળ કદલીવન અને મુખ્ય સહચરી સંજાવલીજી છે.૬] છઠ્ઠા વિલાસની ભાવનામાં સ્થળ ગોધનવન અને મુખ્ય સહચરી રાઈજી છે.૭] સાતમા વિલાસની ભાવનામાં સ્થળ ગહવરવન અને મુખ્ય સહચરી કૃષ્ણાવતીજી છે.૮] આઠમા વિલાસની ભાવનામાં સ્થળ શાંતનકુંડ અને મુખ્ય સહચરી ભામાજી છે.૯] નવમા વિલાસની ભાવનામાં સ્થળ બંસીવટ અને મુખ્ય નવધા ભક્તો છે.

આ નવવિલાસની ભાવનાના પદ શ્રી હરિરાયજીએ રસિક છાપથી રચેલાં છૈ.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.