આમલકી - કુંજ એકાદશીવ્રત
હોળીના રંગભર્યા દિવસોમાં કુંજ એકાદશીએ શ્રીનાથજી વહુજી બેટીજીઓ સાથે પણ પ્રત્યક્ષ હોળી ખેલ્યા હતા અને ફગુવામાં અનેક વસ્તુઓ માગી હતી.વ્રજવાસીઓએ વ્રજમાં પોતપોતાની કુંજોમાં ભાવથી હોળીખેલ ખેલાવી અનેક પ્રકારની સામગ્રીઓ આરોગાવી હતી.વ્રજના કુંજલીલા ભાવ સિદ્ધ છે.જેને જેવા ભાવનો અધિકાર હોય તેને તેવા પ્રકાર ના ભાવાત્મક સ્વરૂપનાં દર્શન ચોર્યાસી કોસ વ્રજની કુંજોમાં થાય છે.વ્રજમાં પ્રભુ યુગલસ્વરૂપે બાર નિકુંજની ભીતરમાં બિરાજમાન છે અને વ્રજમાં ચોર્યાશી કોસ મુખ્ય છે.તે તે કુંજોના અધિકારી નિર્ગુણ ચોર્યાસી સેવકો આચાર્યજીએ અંગિકાર કર્યા છે.તેમાં મુખ્ય સાત કુંજો જેમ કે પ્રેમકુંજ, વિહારકુંજ, મધુકુંજ, પતિકુંજ, લીલાકુંજ, કંદર્પકુંજ, યુગલકુંજ. આ પ્રમાણે કુંજોમાં બધી કુંજો અંતરભાવથી રહે છે.તેમાં કોટાનકોટિ સખી જનો તે સખાઓના જૂથો છે ત્યાં એ કોટાનકોટિ ભક્તોને જન્મમરણ કે વૃદ્ધપણું નથી ત્યાં તો સદા સર્વદા સર્વભક્તો નવયૌવન ઉપરાંત ત્યાં ભક્તો, પશુપક્ષી અને કોઈ જીવજાતને મળમૂત્ર કે દેહધ્યાસ નથી અને કોઈ તામસી નથી.બધા ધર્મ અપ્રાકૃત છે.એ કુંજો પરમસુખની નિધિ છે. ત્યાં દુઃખકર્તા કોઈ ભય કે ઉપાધિ નથી .કારણકે કુંજોના દ્વારે વાઘસિંહની રખવાળી છે. નિકુંજમાં ક્ષણેક્ષણે નૂતન પ્રકારની ભૂમિ, નિકુંજભવનની ચિત્ર-વિચિત્ર સજાવટની, ભક્ત્ લીલા સામગ્રી સહિત બાગ, બગીચા, હિંડોળા, જળવિહાર, સુગંધીવાળા હોજ, ફુવારા વગેરે ૠતુ અનુસાર તમામ લીલાના ભવનો મળીને નિકુંજ કહેવાય છે.મંગળાનિકુંજ, શ્રુંગારનિકુંજ, અભ્યંગનિકુંજ, વસ્ત્રનિકુંજ, ફુલેલનિકુંજ, અત્તરનિકુંજ, સામગ્રીનિકુંજ તેમાં પેટાકુંજો, ફુલના કુંજો, બગીચા, માનકુંજ, હિંડોળાકુંજ, રથકુંજ, સાંઝીકુંજ, દાનકુંજ, રાસકુંજ, અન્નકુટકુંજ, કરોડો સામગ્રીની જુદી જુદી નિકુંજો, દરેકે દરેક નિકુંજે અગણિત ભક્તો, ફૂલ તેવા બગીચા, તેમાં કરોડો યુગલ સ્વરૂપો, તમામ ક્ષણે ક્ષણે રૂપ, રસ, ભાવ, રંગ, સુગંધ અને શણગાર બદલાય છે.જો કે કરોડો સાધનબળથી પ્રભુની લીલાઓના દર્શન અતિ દુર્લભ છે.પરંતુ શ્રી આચાર્યચરણ જીવ પર અનુગ્રહ કરીને વિરહનું દાન કરે તો જ પ્રભુલીલામાં રસની પ્રાપ્તિ થાય અને ત્યારે જ સંસારના સુખો ફિક્કા લાગે છે.