શ્રી નૃસિંહજયંતિ વ્રત

ભક્ત્ પ્રહલાદની નિઃસ્વાર્થ ભક્તિની ટેક રાખી પ્રભુ સ્તંભમાંથી નહીં રાત નહીં દિવસ પણ સંધ્યા સમયે પ્રગટ થયા અને ભક્તને ચરણશરણે લીધો.નૃસિંહ સ્વરૂપ શ્રીનાથજીની કંદરામાં પણ ભાવાત્મક રીતે બિરાજે છે.વૈશાખ સુદ ચૌદશના અનુસંધાનમાં જ્યારે શ્રીનાથજીની ઈચ્છાનુસાર શ્રી ગિરિધરજીએ આપને મથુરા પધરાવ્યા હતા ત્યારે બે માસ એકવીસ દિવસ સુધી શ્રીનાથજી ત્યાં આનંદપૂર્વક બિરાજ્યા હતા.વિવિધ લાડ લડાવ્યા હતા.તે સમયે ફાગણ હોળીખેલના દિવસ હોવાથી શ્રીજી વહુબેટીઓ સાથે પ્રત્યક્ષ હોળી ખેલ્યા અને ફગુઆમાં અનેક વસ્તુઓ માગી હતી.એમ કરતાં ગુજરાતથી શ્રી ગુસાંઈજીના મથુરા પધારવાના સમયે શ્રીનાથજીએ શ્રી ગિરિધરજીને આજ્ઞા કરી હતી કે, ‘ શ્રી ગુસાંઈજી પધારે તે પહેલા તમે મને જલ્દી મારા મંદિરમાં [ગિરિરાજ ઉપર] પધરાવો.’ આ પ્રમાણે શ્રીજીની આજ્ઞાનુસાર આપને શૃંગાર સમયે ગિરિરાજ ઉપર પધરાવ્યા અને ત્યાં રાજભોગ ધરાવ્યો. એવામાં શ્રીગુસાંઈજી પણ પરદેશથી પધાર્યા.ત્યારબાદ ચારઘડી દિવસ રહે શ્રીજીના રાજભોગ સરવાની ખબર આવી.એટલે આપને આશ્ચર્ય થયું કે આ સમયે રાજભોગ કેમ? જેથી શ્રી ગિરિધરજીએ ખુલાસો કર્યો અને વિગત કહી કે આપના પધારવાના સમાચાર સાંભળી આપને અહીં જ દર્શન આપવાની ઈચ્છા હોવાથી શ્રીજીને મધ્યાહ્ન સમયે અહીં પધરાવ્યા છે.આ સાંભળી શ્રી ગુસાંઈજી રોમાંચિત થયા અને શ્રીજીની કૃપાનું વર્ણન કરીને શ્રી ગુસાઈજી સેવામાં પધાર્યા તે દિવસ વૈશાખ સુદ ચૌદશ હોવાથી નૃસિંહ જયંતિ નો ઉત્સવ કર્યો તથા આપે શ્રીજીને પુનઃ શયનમાં રાજભોગ ધર્યો. ત્યારથી શ્રીજીદ્વારમાં પ્રતિવર્ષ શયનભોગની સાથે ફરીથી રાજભોગ વૈશાખ સુદ ચૌદશે આવે છે.મંદિરોમાં વૈશાખ સુદ ચૌદશે સાંજે નૃસિંહજન્મ બાદ ઉત્સવભોગની છાબ ધરાય છે.તેમાં શીતળ પનો અને લીલો મેવો[ પરિશ્રમ દૂર કરવાની ભાવનાથી ] અવશ્ય ધરાવાય છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.