વસંતપંચમી

વસંતૠતુ તો વૈશાખ માસમાં આવે મેષસંક્રાંતિ વખતે હોય છે.છતાં ઉત્સવ આજે મનાય છે તેનું કારણ એ છે કે વ્રજમાં કામદેવનો જન્મ મહા સુદ પાંચમે મનાય છે. કામદેવને મહાદેવજીએ બાળી નાખ્યા તેથી કૃષ્ણ ભગવાનને ઘેર રૂક્ષ્મણીજીના ઉદરે પ્રદ્યુમ્ન રૂપે જન્મ લીધો. વસંત વીના કામદેવની વૃદ્ધિ થાય નહીં તેથી આગમન ઉત્સવમાં આંબાનો મોર, સરસવ, ખજૂરીની ડાળમાં બોર ખોસીને કળશમાં, કળશમાં સજાવીને, શ્રી સ્વામિનીજી પ્રભુ સાનિધ્યમાં પધારે છે.કળશ પિત્તળનો અને લાલ રંગના કપડાથી વીંટેલો હોય છે.[તે કળશનો ભાવ ગુપ્ત હોય છે.] વસંતપંચમીએ નંદાલયમાં મંજરી પુષ્પોથી સજેલો કળશ ભાવાત્મક રીતે મૂકાય છે.અને કળશનું અધિવાસન કરાય છે.કળશમાં આંબાનો માૅર, સરસાઈ ના ફૂલ, બોર, ખજૂરી, જવ, રાઈના ફૂલ, કુંદના ફૂલ એમ સાત જાતના માૅર - પુષ્પમંજરી ધરાવાય છે.બાદ રાજ ભોગ આવે.વસંતનો કળશ સાનિધ્યમાં સિદ્ધ થાય. પછી પ્રભુને ચંદન-ચૂવા, ગુલાલ-અબીલથી ખેલાવે. બાદ પિંછવાઈ - બિછાનાને કળશના ભાવથી ખેલાવાય છે.રંગ ની ભાવનામાં [૧]ચંદન - શ્રી સ્વામિનીજી [૨]ચુવા - શ્રી યમુનાજી [૩]ગુલાલ - શ્રી લલિતાજી [૪]અબીલ - શ્રી ચંદ્રાવલીજી.આ પ્રકારે વસંત ખેલ લીલા દ્વારા વ્રજભક્તે ના મન - પ્રાણ - આત્મા - ઈન્દ્રીયને દેહમાં સ્વરૂપાનંદ ને સ્થાપવામાં આવે છે.

મહા સુદ પાંચમથી ફાગણ સુદ પૂનમ સુધી ૪૧ દિવસ વસંતધમારના ખેલો દ્વારા કામનો ઉદ્દિપન ભાવ પ્રગટ કરી વ્રજભક્તો સાથે પ્રભુએ વિહાર કર્યો છે.વસંતફાગના ખેલ પરકીય ભાવ સંપન્ન વ્રજલલનાઓ માટે પરમ ફળરૂપ છે.કારણકે બધાના દેખતા નિઃશંકતાથી આનંદપૂર્વક પ્રભુ[રસરાજ] સાથે ખેલી શકાય છે.અને અષ્ટસખાઓ ગાય છે કે, ‘સબ ફૂલકો ફૂલ ફાગ’ કારણકે પાંચમથી ડોલ સુધીના દિવસોમાં ચાર યૂથ ના ભાવથી કેસર રંગની પિચકારી ભરી પ્રેમઆવેશમાં રંગથી તરબોળ થઈ પ્રભુ સાથે ખેલી વ્રજ ભક્તે ફલફલિત થાય છે.વસંતપંચમીથી ફાગણ સુદી એકાદશી[કુંજએકાદશી]ના આગલા દિવસ સુધી નિત્ય રાજભોગ સમયે અષ્ટપદી ગવાય છે.અષ્ટપદીનો ભાવ રહસ્યમય અને પ્રભુની રસમય લીલાથી ભરપૂર છે.વસંતખેલના સુરમ્ય દિવસોમાં શ્રી રાધિકાજી પ્રભુ સાથે માન કરીને બેઠા.શ્રી ચંદ્રાવલીજી સહચરી [શ્રી ગુસાંઈજી સ્વરૂપે] શ્રી રાધિકાજીને માન છોડવા વિનંતિ કરે છે.આજ રીતે અષ્ટપદીમાં રાજસ, સાત્વિક અને તામસ ભક્તોના યુથમાં વિહાર વર્ણન કરી અષ્ટપદી સમાપ્ત થાય છે.પ્રભુની નંદાલયમાં ને વ્રજમાં કરેલી બધી લીલાઓ દ્વારા વ્રજભક્તોનો પોતાની અંદર નિરોધ કર્યો છે.પછી ભલે તે શાસ્ત્રીય હોય કે અશાસ્ત્રીય હોય.વસંતપંચમીથી ૧૦ દિવસ વસંતના, પછીના ૧૦ દિવસ ધમારના, પછીના ૧૦ દિવસ ફાગના, અને છેલ્લા ૧૦ દિવસ હોરીના.વસંતના દિવસોમાં ઠાકોરજીના ગાદીની બન્ને બાજુ ‘ફુલ’ની છડી અને ગેંદ [દડો] ધરવામાં આવે છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.