મંગલાદર્શન
મંગલાભોગ સિદ્ધ થાય. ત્રણ વાર શંખનાદ અને ઘંટનાદ થાય મંગલા આરતી ઉતરે.લીલાના અષ્ટસખામાંના શ્રીસ્તોક એટલે કે પરમાનંદદાસજીના મંગલાના પદ ગવાય.જે ભૈરવ લલિત અને વિભાસ રાગમાં ગવાય.

સવારના પહોરમાં કરાવાતા ‘મંગલા દર્શન’ ભક્તોએ યા પુષ્ટિ જીવોએ ‘બાલભાવ’ થી કરવાના હોય છે.મંગલાના દર્શનનો ટેરો ખુલે તે પૂર્વે ભીતરમાં પૂર્વતૈયારી થતી હોય છે તે ભલે કોઈને નજરે દેખાતી ન હોય પરંતુ મનઃચક્ષુથી યા ભીતરથી દર્શનાથીર્ઓ એ એટલું સમજી લેવાનું હોય છે કે આ ‘દૈવીબાળ’ અચાનક દર્શન ખુલવાથી ચોંકી ન ઊઠે એની તકેદારી રાખવાની હોય છે.વળી દ્વાર ખુલ્લા હોય તો આ બાળસ્વરૂપ બહાર ઊભેલા એના સાથીઓ તથા સખા પાસે જવા લલચાય અને દોડી જાય તો શું થાય? આવી

ભાવનાથી પ્રાતઃ ઉત્થાપન અને મંગળા વચ્ચેના સમય દરમ્યાન ટેરો રાખવામાં આવે છે.મંગળાના સમય દરમ્યાન હાથમાં વેણુ ધરવામાં આવતી નથી.તે એટલા માટે કે રખેને તેના વેણુનાદથી બહારની જનતા મોહ પામી મંત્રમુગ્ધ બની અંદર દોડી આવે અને બધો વ્યવહાર ખોરવાઈ જાય તો?

મૂળભૂત દૈવીજીવોએ પોતાના ઠાકોરજી સમક્ષ ભલે કોઈ યાચના કરવી હોય તો કરે પરંતુ તેમાં કોઈપણ જાતના લૌકિક પદાર્થની ભૌતિક વસ્તુની કે સાંસારિક સુખવૈભવની લાલસા તો લેશમાત્ર ન કરવી જોઈએ.મંગળાઆરતી પાછળની ભાવના એવી નિર્ધારીત કરવામાં આવી છે કે રાત્રિના અંધકારમાં અવનિ પર ભટકતા અવગતીયા જીવોની કુદ્દષ્ટિ લાલાને ક્યાંક લાગી ગઈ હોય તો આરતી દ્વારા નજર ઉતારી દેવાય.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.